આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ હુતાસણી (હોળી)ની રવિવારે ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હોળી નિમિત્તે ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં ચોઘડિયા અનુસાર રાત્રિના સમયે હોલીકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
હાલ કોરોના મહામારીમાં સરકારી ગાઈડલાઈન મુજબ લોકોએ હોળીનું આયોજન કર્યું હતું અને મોટા આયોજનો મુલતવી રાખ્યા હતા. અહીંના ગાડીત પાડા વિસ્તારમાં રજવાડાના સમયથી યોજાતી રાવળી હોળી, અત્રે સલાયા ગેઈટ વિસ્તારમાં સુંદર રીતે સલાયા ગેઈટ યુવક મંડળ દ્વારા ઉજવાતી હોળી, ઉપરાંત બેઠક રોડ, નવાપરા, રામનાથ સોસાયટી, વિગેરે સ્થળોએ આજરોજ રાત્રિના સમયે શાસ્ત્રોક્ત વિધિથી હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને મહિલાઓએ હોલિકા પૂજન તથા બહેનો, બાળકો, અબાલ-વૃદ્ધ સૌએ હોળીની પ્રદક્ષિણા કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સરકારના વિવિધ પ્રતિબંધ વચ્ચે આ વખતે હોળીની ઉજવણી તદ્દન ફીકી રહી હતી.