સુપ્રીમ કોર્ટના મહત્ત્વપૂર્ણ ચુકાદામા ટાટા ગ્રુપનો વિજય થયો છે. સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીને ફરીથી એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે બહાલ કરવાના નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલનો ચુકાદો ફગાવી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને ન્યાયમૂર્તિ વી. રામસુબ્રાએ જણાવ્યું હતું કે ટાટા ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ મંજૂર રાખવામાં આવી છે. ખંડપીઠે જણાવ્યું હતું કે એનસીએલએટીનો 18 ડિસેમ્બર, 2019નો ચુકાદો ફગાવી દેવામાં આવ્યો છે. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે ટાટા ગ્રુપ દ્વારા દાખલ કરવામાં અરજી મંજૂર રાખવામાં આવી છે જ્યારે શાપૂરજી પલ્લોન્જી ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે ગ્રુપના શેરોનું મૂલ્ય લિસ્ટેડ ઇક્વિટી, સ્થિર અને અન્ય મિલકતોમાં ટાટા સન્સના હિસ્સા પર આધારિત છે.
આ તબક્કે અને આ કોર્ટમાં અમે યોગ્ય વળતર અંગે ચુકાદો આપી શકીએ નહીં. આ બાબતમાં અમે બંને પક્ષકારોને આર્ટિકલ 75નો અથવા અન્ય કાયદાકીય વિકલ્પની મદદ લેવાનું સૂચન કરીએ છીએ. આ અગાઉ એસપી ગ્રુપે ટાટા જૂથમાં પોતાના હિસ્સાના શેરોનું મૂલ્ય 1.75 લાખ કરોડ રૂપિયા આંક્યુ હતું. જો કે ગયા વર્ષે 8 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ટાટા જૂથે જણાવ્યું હતું કે ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ (ટીએસપીએેલ)માં એસપી જૂથના 18.37 ટકા શેરોનું મૂલ્ય 70,000 થી 80,000 કરોડ રૂપિયાની વચ્ચે છે.