દર વર્ષે દ્વારકાધીશ મંદિરે હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને અનેક શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રાજ્યભરમાંથી લાખો યાત્રિકો હોળીના તહેવાર નિમિતે પગપાળા પણ આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારી વચ્ચે આજથી ત્રણ દિવસ સુધી એટલેકે 27,28,29 માર્ચ સુધી મંદિર બંધ રહેશે. છતાં પણ મંદિરે અનેક યાત્રિકોનો જમાવડો થયો છે. ફૂલડોલ ઉત્સવ સાદાઈથી ઉજવવાનો હોવા છતાં દ્વારકામાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે.
આજથી ત્રણ દિવસમાટે દ્રારકાધીશ મંદિર બંધ હોવા છતાં દરવર્ષની જેમ અનેક ભાવિકો ઉમટી પડ્યા છે.આવતીકાલે બપોરે 2:00થી 3:00 વાગ્યાના સમય દરમિયાન પુજારી દ્રારા ફૂલડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી ભાવિકો માટે મંદિર બંધ રહેશે પરંતુ દ્વારકાધીશને રોજ 5 ધ્વજા ચઢાવવામાં આવે છે. માટે ધ્વજા ચઢાવનારને માત્ર 10 વ્યક્તિની પરવાનગી સાથે મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે. અને દર્શન કરવા દેવામાં આવશે.
જાહેર જનતા માટે મંદિરમાં પ્રવેશબંધી હોવાથી આ દર્શનનો લાભ જાહેર જનતા લઈ શકે તે માટે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રવિવારે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG ઉપર લાઈવ નિહાળી શકાશે.