ગીરગઢડાના ખીલાવડમાં રાત્રીના ઘરમાં સૂતેલી યુવતી પર ગામના જ આધેડ શખસે ઘરમા પ્રવેશ કરી મોઢે ડૂમો દઈ બળજબરીપૂર્વક બળાત્કાર કરી નાસી ગયો હતો. યુવતીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરી કોરોનાનો ટેસ્ટ કરી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામા આવશે.
ગીરગઢડાના ખીલાવડ ગામે તા.21ના રાત્રીના યુવતીના માતા-પિતા બહારગામ જતા યુવતી તેના કાકા સાથે રહેતી હતી અને રાત્રીના યુવતી રૂમ બંધ કરીને સુતી હતી ત્યારે રાત્રીના ગામનો શખસ હાસમ ઉર્ફે મનસીંગ નથુ મકવાણાએ ફળિયામા પ્રવેશી રૂમનુ બારણુ ખખડાવતા યુવતીએ દરવાજો ખોલતા જ યુવતીના મોઢે ડૂમો દઈ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતું. યુવતીએ હિંમત કરી આરોપીનો મોઢા ઉપરથી હાથ હટાવી મદદ માટે બૂમો પાડતા આરોપી ગભરાઈને નાસી છૂટયો હતો.
આ ઘટના અંગે યુવતીએ તેના કાકાને વાત કરતા તેમણે યુવતીને ગીર ગઢડા પોલીસ સ્ટેશને લઈ જઈને પીએસઆઈને આ બાબતની વાત કરતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા પોલીસની ટીમને ખીલાવડ ગામે મોકલી આપી હતી. જાણવા મળતી વિગત મુજબ આ આરોપી અગાઉ સોશ્યલ મીડિયામા વિવાદાસ્પદ ફોટો મુકવા બાબતે પણ ચર્ચામા આવ્યો હતો.
આ અંગે વધુ તપાસ પીએસઆઈ કલ્પનાબેન અઘેરા કરી હતી અને આરોપીની અટક કરી તેનો કોવિડનો ટેસ્ટ કર્યા બાદ તેની ધરપકડ કરવામા આવશે. ભોગ બનનાર યુવતીને મેડિકલ તપાસ સારવાર માટે દવાખાને ખસેડવામા આવી છે.
સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમા ભોગ બનનાર યુવતીના સગાને ખીલાવડ ગામના સરપંચે ફોન કરી આ બનાવની ફરિયાદ ન કરવા તથા રૂપિયા જોઈએ તેટલા લઈ અને સમાધાન કરી લેજે. આરોપી માથાભારે અને ઝનૂની હોવાનુ જણાવ્યુ હતું. પરંતુ યુવતીના સગાએ સરપંચની વાત ન માની અને પોલીસમા આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ વિડીયોની પોલીસે તપાસ કરી સત્ય બહાર લાવવુ જોઈએ.
ખીલાવડ ગામની યુવતી પર બળાત્કાર કરનાર ગામના જ વિધર્મી શખસ સામે આકરી કાર્યવાહી કરવા વિહીપ, બજરંગદળના નિપુલભાઈ શાહ, પ્રવીણભાઈ વાળા, વકીલ રામજીભાઈ પરમાર સહિતના આગેવાનો કાર્યકરોએ માંગણી કરી છે. આવા તત્ત્વોને મદદ કરનાર, ગેરકાયદે સહકાર આપનારાઓનુ મોટુ જૂથ છે. જેથી આ ગુનાની પ્રક્રિયા ઝડપી કરી તેમજ ભોગ બનનારને ડરાવી, ધમકાવી નહિ તે માટે પોલીસ રક્ષણ મળે તેવી પણ માંગણી કરી પ્રાંત અધિકારીને આવેદન આપ્યુ હતું.
આ ઉપરાંત કોડીનારના છાછર ગામે બે સગીરાની છેડતી અને એક સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી સાજીદ ઈમરાન વાકોટ, રહે .છાછરનેપોલીસે ગુનો નોંધી ઝડપી લીધો હતો અને આજે કોડીનાર કોર્ટમાં રીમાન્ડ અર્થે રજુ કર્યો હતો કોર્ટે સરકારી વકીલની રીમાન્ડની દલીલો ધ્યાને લઈ બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.