કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકેત તા.4થી એપ્રિલે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે.
રાકેશ ટિકેત બારડોલી અને પાલનપુરમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે. દરમિયાન,અમદાવાદની મુલાકાતે આવેલાં સંયુક્ત કિસાન મોર્ચાના રાષ્ટ્રીય મહાસચિવ યુધૃધવીરસિંહની પોલીસે પત્રકાર પરિષદ સ્થળે જ અટકાયત કરી હતી.
કૃષિ કાયદો રદરવાની માંગ સાથે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલાં ખેડૂત આંદોલનના ખેડૂત નેતા યુધૃધવીંર સિંહ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના આમંત્રણને પગલે અમદાવાદ આવ્યા હતાં. પત્રકાર પરિષદ સંબોધતાં યુધ્ધવીરસિંહે કૃષિ કાયદો ખેડૂતો માટે નુકશાનદાયી છે હોવાનુ ગણાવી જણાવ્યું કે, બીજ બિયારણ,ખાતર બનાવતી કંપનીઓ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી.
ડિઝલના ભાવ ખુદ સરકાર વધારી રહી છે ત્યારે ખેડૂત કેવી રીતે જીવશે તે સમજાતુ નથી. એક ખેડૂતે તો ટ્વિટ કર્યું ેકે, મને મકાઇના અત્યારે જે ભાવ મળ્યાં તેના કરતાં વધુ ભાવ તો વર્ષ 1972માં મારા પિતાના વખતમાં મળતા હતાં.
યુધૃધવીર સિંહ એવી ચિમકી ઉચ્ચારીકે, જયાં સુધી કેન્દ્ર સરકાર કૃષિ કાયદો રદ નહી કરે ત્યાં સુધી આંદોલન જારી રહેશે. પત્રકાર પરિષદ અટકાવી પોલીસે ખેડૂત નેતા યુધ્ધવીર સિંહની અટકાયત કરી હતી.ખેડૂત નેતા સહિતના સમર્થકોને અટકાયત કરી શાહીબાગ સ્ટેડિયમ લઇ જવાયા હતાં.
ખેડૂત નેતા યુધૃધવીરસિંહે રાકેશ ટિકેતના ગુજરાત પ્રવાસને લઇને વિગત આપી હતી. આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકેત તા.4થી એપ્રિલે સવારે દસ વાગે અંબાજી આવશે.અંબાજી મંદિરે દર્શન કરી તેઓ પાલનપુર ખાતે ખેડૂત સંમેલનને સંબોધન કરશે. ટિકેત ઉંઝા ઉમિયા મંદિરે પણ દર્શન કરવા જશે.
તા.5મીએ સવારે 8 વાગે રાકેશ ટિકેત ગાંધીઆશ્રમની મુલાકાત લેશે ત્યાંથી તેઓ કરમસદ જશે. બારડોલીમાં ટિકેત ખેડૂત સંમેલનને સંબોધન કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આગેવાન યુધૃધવીરસિંહની અટકાયતને વિરોધ કરતાં કહ્યું કે,પોલીસ ભાજપના કાર્યકર્તાની જેમ વર્તી રહી છે પણ સત્તા તો આજે છે નેકાલે નથી. ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારાંને પગલે ભાજપ સરકાર ચિંતિત બની છે.