જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા દ્વારા જિલ્લા કક્ષાની બેઠકમાં ભાજપના કાર્યકરો તથા પક્ષના ચૂંટાયેલ તેમજ સંગઠન પાંખના પદાધિકારીઓને કોવિડ-19 વેક્સિનેશન સેન્ટરો પર તંત્રની સાથે રહી, ગ્રામ્ય જનતાને મદદરુપ થવા આહવાહન કર્યું હતું. આ અનુસંધાને જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ભાજપના કાર્યકરોએ ‘સેવા હી સંગઠન’ના સૂત્રને ચરિતાર્થ કરવા પુરુષાર્થ શરુ કરેલ છે.
જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરાએ જામનગર તાલુકાના ગોકુલપરા તેમજ બાડા ગામે ચાલતા વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઇ, કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઇ ધમસાણીયા, કાનજીભાઇ મુંગરા, પ્રવિણભાઇ, બેચરભાઇ, રાજેશભાઇ, રાઘવભાઇ, જેરામભાઇ સોરઠીયા તથા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેન્ટર ઉપર 74 વ્યક્તિઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધેલ જેઓને સાંસદ પૂનમબેન માડમ દ્વારા આપવામાં આવેલ શુભેચ્છા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધ્રોલ તાલુકાના લતીપર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાની ઉપસ્થિતિમાં 161, લૈયારા ખાતે 112, જાલિયા દેવાણી 34 અને ધ્રોલ યુએચસી સેન્ટર ખાતે 105 લોકોને વેક્સિનેશન આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ, શાસકપક્ષના નેતા લખધીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રવિણાબેન મનસુખભાઇ ચભાડીયા, ચંદ્રીકા અઘેરા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા સહિત પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ જ પ્રકારે લાલપુર તાલુકાના મોડપર ગામે જિલ્લા પંચાયત સદસ્ય કે.બી. ગાગીયાની ઉપસ્થિતિમાં પક્ષના કાર્યકરો સાથે રહી 60 ગ્રામવાસીઓને વેક્સિન અપાવડાવેલ. તમામ સેન્ટર પર સાંસદ પૂનમબેન માડમ દ્વારા જે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો તેઓને શુભેચ્છા કિટ અર્પણ કરવામાં આવેલ તેમજ જિલ્લા ભાજપ દ્વારા છાંયા તેમજ પીવાના પાણી સહિત સુવિધાઓ આપવામાં આવી હતી.