જસ્ટિસ એનવી રમના ભારતના નવા ચીફ જસ્ટિસ હશે. CJI એસએ બોબડેએ તેમનું નામ દેશના 48માં ચીફ જસ્ટિસ તરીકે પ્રસ્તાવિત કર્યું છે. CJI બોબડે 23 એપ્રિલ રિટાયર્ડ થવાના છે. નિયમો મુજબ CJI એ પોતાના રિયાટરમેન્ટના એક મહિના પહેલાં નવા ચીફ જસ્ટિસના નામનો પ્રસ્તાવ કાયદા મંત્રાલયને મોકલવાનો હોય છે. અહીંથી મંજૂરી મળ્યાં બાદ તેને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે.
સરકારનો પ્રસ્તાવ સ્વીકાર કર્યા બાદ 24 એપ્રિલે જસ્ટિસ રમના નવા CJIનું પદ સંભાળી શકે છે. એવું થયું તો તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પહેલાં એવ જજ હશે જેઓ CJI બનશે. જસ્ટિસ રમના 26 ઓગસ્ટ 2022નાં રોજ રિટાયર્ડ થશે. એટલે તેમનો કાર્યકાળ બે વર્ષથી પણ ઓછો રહ્યો છે. નવેમ્બર 2019માં જસ્ટિસ બોબડેએ 47માં CJI તરીકે શપથ લીધા હતા.
જસ્ટિસ રંજન ગોગોઈના રિટાયર્ડમેન્ટ પછી જસ્ટિસ બોબડેને CJI બનાવવામાં આવ્યા હતા. આ પહેલાં કેન્દ્ર સરકારે ગત સપ્તાહે જ જસ્ટિસ બોબડેને પૂછયું હતું કે તેઓ આગામી CJIના નામની ભલામણ કરે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે બોબડેને આ અંગે એક પત્ર પણ મોકલ્યો હતો.
જસ્ટિસ રમનાનો જન્મ 27 ઓગસ્ટ 1957નાં રોજ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમ ગામમાં થયો હતો. 10 ફેબ્રુઆરી 1983નાં રોજ તેઓએ વકીલાતની શરૂઆત કરી. 27 જૂન 2000નાં રોજ તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં સ્થાયી જજ તરીકે નિયુક્ત થયા. જસ્ટિસ રમનાને ફેબ્રુઆરી 2014માં સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓએ 10 ફેબ્રુઆરી 1983નાં રોજ વકીલાતની સાથે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
જસ્ટિસ રમનાએ હાલમાં જ કહ્યું હતું કે ભારતમાં હજુ પણ ન્યાય મેળવવું મુશ્કેલ છે. તેઓએ કહ્યું કે આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણે ગરીબી અને ન્યાય સુધી પહોંચ ન હોવાની મુશ્કેલી સામે લડી રહ્યાં છે. એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે હજુ પણ લાખો લોકો એવા છે જેઓને પોતાના મૂળભૂત અધિકાર નથી મળી શક્યા અને આપણાં સમાજ પ્રત્યે તેમની જવાબદારીને ન ભૂલવી જોઈએ.