જામનગર શહેરના ધરારનગર-1 પાસે આવેલી ફોરેસ્ટ કોલોની પાછળના વાડી વિસ્તારના કૂવામાં મૃતદેહ હોવાની જાણના આધારે પોલીસ અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવ સ્થળેથી પોલીસને અર્ધ બળેલ મૃતદેહ મળી આવતા હત્યાની આશંકાએ મૃતકની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા મૃતદેહ વુલનમીલ પાસે રહેતા યુવાનનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-1 પાસે આવેલી ફોરેસ્ટ કોલોની પાછળના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં કોઇ મૃતદેહ હોવાની ઈરફાન હાજી વાઢા નામના યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. રાદડિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ અંગેની જાણના આધારે ફાયર ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે કૂવામાંથી અર્ધ બળેલ મૃતદેહ મળી આવતા કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં પોલીસના પ્રથમિક તારણમાં મૃતદેહ વુલનમીલ નજીક રહેતા લલિત રામજીભાઇ સોંદરવા નામના યુવાનનો હોવાનું ખુલ્યું હતું. તેમજ તેના ઘરેથી તા.19ના રોજ ગુમ થયા બાદ કુવામાંથી મૃતદેહ સાંપડ્યો હતો. તેમજ યુવાનની હત્યા નિપજાવી હોવાની દિશામાં પોલીસે હત્યારાઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. જો કે પોલીસે હત્યારાઓનું સગડ મેળવી લીધુ હોય હત્યારાઓ હાથ વેતમાં જ છે.