જામનગર જિલ્લા પંચાયતના વર્ષ 2021-22ના રૂા. 209 કરોડના બજેટને બહાલી આપવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયતની આજે યોજાયેલી બજેટ બેઠકમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળ તેમજ સરકારી અનુદાનના બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બજેટ બેઠકમાં વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં જળશક્તિ અભિયાન પર જોર આપવામાં આવ્યું છે. વરસાદી પાણીના સંચયના આશય સાથે ચોમાસા પહેલા ચેકડેમ, તળાવ ઉંડા ઉતારવા અને તેની સ્ટોરેજ કેપેસીટી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ગ્રામિણ વિસ્તારમાં ચેકડેમની મરામત અને નવાચેકડેમ બાંધવા માટે 2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે પંચાયત વિસ્તારમાં વિકાસ કામો માટે પણ 2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પછાત વિસ્તારોમાં કોમ્યુનિટી હોલની સુવિધા પ્રાપ્ત થાય તે માટે 60 લાખની જોગવાઇ કરવામાં આવી છે. તો આંગણવાડી માટે 20 લાખ ફાળવવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે 30 લાખ જ્યારે કુદરતી આફતના સમયમાં આકસ્મિક કાર્યો માટે 20 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
આમ, વર્ષ દરમિયાન પંચાયતનું સ્વભંડોળની આવકનો અંદાજ 13.29 કરોડનો મૂકવામાં આવ્યો છે. જે સામે 8.98 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોય, 4.31 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટ બેઠકમાં ઉપપ્રમુખ નયનાબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ તેમજ પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.