જામનગર શહેર અને જિલ્લામાં અનેક નવા પુલના કામો થઈ રહ્યા છે જેમાં જામનગર-સમાણા-ફુલનાથ રોડ ઉપર લાલપુર બાયપાસ ચોકડી નજીક જવાના માર્ગ પર આવેલો બેઠો પુલ નવો બનાવવા માટે 6 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. જો કે, આશ્ચર્યની બાબત એ છે કે, આ નવો પુલ મંજુર થયો હોવા છતાં જૂના પુલમાં માતબર રકમના ખર્ચે મરામત કરવામાં આવ્યું હતું જે કોના લાભાર્થે કરવામાં આવ્યું છે ?
આમ તો શહેર અને જિલ્લામાં નવા-નવા પુલોના નિર્માણ થાય તે સરાહનિય બાબત છે કેમ કે આ નવા પુલોના નિર્માણથી ટ્રાફિક સમસ્યા હળવી થાય છે અને લોકોને અવર-જવર કરવામાં સરળતા રહે છે પરંતુ હાલમાં જ જામનગર શહેર નજીક રણજીતસાગર જવાના માર્ગ પર આવેલા એક જૂના બેઠા પુલને સ્થાને નવો પુલ બનાવવાનું કાર્ય મંજૂર થયું હતું. આ પુલ જામનગર-સમાણા-ફુલનાથ રોડ ઉપર લાલપુર બાયપાસ ચોકડી નજીકના લોકેશન ઉપર 6 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને આ પુલ એક વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ થઈ જશે. આ નવો પુલ 144 મીટર લંબાઇ અને એપ્રચો સાથેની 310 મીટર લંબાઇ તથા 10.70 મીટર પહોળાઇ બન્ને બાજુ 1.50 મીટરની ફુટપાથ તથા 12 મીટરના 12 ગાળા આરસીસી વર્ક સાથેનો આ પુલ નવનિર્માણ પામશે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, આ નવા પુલ બનાવવા પાછળ 6 કરોડનો ખર્ચ થનાર છે ત્યારે લોકેશન પર સ્થિત જુના પુલ ઉપર માતબર રકમના ખર્ચે લગત વિભાગ દ્વારા મરામત કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કેમ કે એક તરફ નવો પુલ મંજૂર થયો હોવા છતાં જૂના પુલ ઉપર માતબર રકમનું એંધાણ કોના લાભાર્થે ? અને શા માટે ? તેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.