કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં રહેતા અને ખેતી કરતા યુવાને પેટના ઓપરેશન બાદ જિંદગીથી કંટાળીને શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કર્યુ હતું. જામનગર તાલુકાના ધુતારપરમાં રહેતા યુવાનને ભેંસે સિંગડુ મારતા દિવાલમાં અથડાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા કારખાનામાં વૃદ્ધનું બેશુધ્ધ થઈ જતા મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં રહેતા અને ખેતી કરતા બલદેવસિંહ દેવુભા જેઠવા (ઉ.વ.46) નામના યુવાનને તેમના લગ્નજીવન દરમિયાન સંતાન ન હતુ અને યુવાને થોડા સમય અગાઉ પેટનું ઓપરેશન કરાવ્યું હોવાથી મગજ બરાબર ચાલતુ ન હોય જેથી જિંદગીથી કંટાળીને મંગળવારે બપોરના સમયે તેના ઘરે શરીરે કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કર્યુ હતું. બાદમાં યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું આ અંગે મૃતકના ભાઈ ભીખુભા દ્વારા જાણ કરાતા હેકો આર.કે. ઝાલા થતા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા અને ખેતી કરતા ખીમજીભાઈ પોલાભાઈ માધાણી (ઉ.વ.45) નામના યુવાને ગત શનિવારે બપોરના તેના ઘરે ભેંસને ઘાંસચારો નાખવા ગયા હતાં તે દરમિયાન ભેંસે સિંગડુ મારતા યુવાનનું માથુ દિવાલમાં અથડાતા મુંઢ ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રવિણભાઈ દ્વારા જાણ કરાતા એેએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા કારખાના રહેતા મંગળવારે સાંજના સમયે ઈન્દરકુમાર દાસુરામ (ઉ.વ.60) નામના વૃધ્ધ બેશુદ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દિપક કાબરા દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે આગળની તપાસ હાથ ધરી હતી.