આઈએસએસએફ વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારતીય નિશાનેબાજોએ ગોલ્ડન દિવસ મનાવ્યો. ડો કર્ણી સિંહ શૂટિંગ રેંજ પર બુધવારે 25 મીટર પિસ્તોલ મહિલા કેટેગરી અને 50 મીટર રાઇફલ થ્રો પોઝીશન પૂરૂષ કેટેગરીમાં ગોલ્ડ ભારતે જીત્યા. 25 મીટર પિસ્તોલમાં તો ભારતે ક્લીન સ્વિપ કર્યું છે.
આ વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે કોઇ ઇવેન્ટમાં ત્રણેય મેડલ ભારતના નામે રહ્યા છે. 1988 માં મોસ્કોમાં થયેલ વર્લ્ડ કપમાં આ ઇવેન્ટમાં ત્રણેય મેડલ સોવિયત યુનિયને જીત્યા હતા. ભારત મેડલની ટેલીમાં 9 ગોલ્ડ સહિત 19 મેડલ સાથે પહેલા ક્રમે છે. જેમાં 5 સિલ્વર અને 5 કાસ્ય મેડલ જીત્યા છે. 9 ગોલ્ડ મેડલ વર્લ્ડ કપ ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અમેરિકા 3 ગોલ્ડ સહિત 6 મેડલમાં બીજા સ્થાને છે.
25 મી. પિસ્તોલમાં 23 વર્ષની ચિંકી યાદવે ગોલ્ડ, 30 વર્ષની રાહી સરનોબત સિલ્વર અને 19 વર્ષની મનુ ભાકરે કાસ્ય મેડલ જીત્યો. ચિંકી આ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર માત્ર બીજી ભારતીય મહિલા છે. રાહી આ સિધ્ધિ મેળવી ચૂકી છે. મનુએ વર્લ્ડ કપમાં 10 મેડલ જીત્યા છે. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ મેડલ જીતવામાં સૌરભ ચૌધરીની સાથે સંયુક્ત રીતે ટોચ પર છે.
20 વર્ષના એશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે 50 મી. રાઇફલ થ્રો પોઝિશનમાં ગોલ્ડ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિક કોટા મેળવનાર એશ્વર્ય ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર ભારતનો ચોથો ખેલાડી છે. ગગન નારંગ, સંજીવ રાજપુત, અખિલ શ્યોરન એવું કરી ચૂક્યા છે. એશ્વર્યએ વર્લ્ડ નંબર 1 ખેલાડી હંદરીના ઇસ્તવાન પેનીને હરાવ્યો છે.