દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા સબબ બે દિવસમાં બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ચોખંડા ખાતે રહેતા એક વૃદ્ધની જમીન પચાવી પાડી અને જાનથી મારી નાખવાની ધમકી સબબ આ જ ગામના ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાબેના ચોખંડા ગામની જંગલવાડી સીમમાં રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ભોજાભાઈ અરશીભાઈ ભાટુ નામના 70 વર્ષીય આહીર વૃદ્ધએ સંયુક્તમાં મોરઝર ગામની સીમના જુદા જુદા સર્વે નંબર વાળી જમીન મોરઝર ગામના આલાભાઈ બેચરભાઈ બગડા પાસેથી વેચાણ દસ્તાવેજ કરાવી, તા. 05/07/2012 ના રોજ રજીસ્ટ્રેશન નંબર 1096 થી ખરીદ કરી હતી. આ માટે તેમના દ્વારા રૂપિયા એક લાખ પણ ચૂકવવામાં આવ્યા હતા.
પરંતુ આ જમીન અંગે મોરઝર ગામના પીઠા આલાભાઈ બગડા, જયસુખ પીઠાભાઈ બગડા અને જીતેશ પીઠાભાઈ બગડા નામના ત્રણ કુટુંબી શખ્સોએ ફરિયાદી ભોજાભાઈ ભાટુની માલિકીની આ જમીનમાં તેમણે રૂ. વીસ હજારના ખર્ચે તેમણે કરેલો એક બોર બુરી દઈ, અને નુકશાની કરવા ઉપરાંત આ જમીનમાં પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનનું બાંધકામ પણ કરી લીધું હતું.
આ પરિસ્થિતિમાં ફરિયાદી ભોજાભાઈ આરોપીઓને સમજાવવા જતા તેઓએ ભોજાભાઈ તથા તેમની સાથે આવેલા સાહેદને આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી દીધી હતી. અને કિંમતી જગ્યા પર ગેરકાયદેસર કબ્જો જમાવી રાખ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 427, 506 (2), 114 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.