કચ્છમાં એક સ્થાનિક પરપ્રાંતીય શ્રમિક પિતાએ આર્થિક ભીંસથી કંટાળીને પોતાના અપંગ પુત્રનું ગળું દાબીને ઠંડા કલેજે હત્યા કરી હોવાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉપરોક્ત બનાવ સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં ચોકીદારી કરીને પેટિયું રડતા હરીશ કામી (વિશ્વકર્મા) (મૂળ-નેપાળ,હાલે બારોઇ રોડ,સોસાયટી વિસ્તાર-મુન્દ્રા) નામના યુવાને આર્થિક ભીંસને કારણે 04 વર્ષથી બીમાર રહેતા પોતાના અપંગ પુત્ર દિનેશ કામી (ઉ.વ.9)ની ઠંડા કલેજે હત્યા કરી નાખી હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડ્યા હતા. તેણે પોતાના પુત્રનું મૃત્યુ પોતાની 05 વર્ષની પુત્રીની નજર સમક્ષ નિપજાવ્યું હતું. બાદમાં આ પુત્રીએ આ આખી વાત પોતાની માતાને કરી હતી. ત્યારબાદ આ મહિલાએ પોતાના દિયરને વિગતો જણાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પુત્રનું કાસળ કાઢ્યા બાદ તેનું મોત કુદરતી રીતે થયું હોવાનું કહી પોતાના આઠ થી દસ હમવતન યુવાનોને એકત્રિત કરી દિનેશ બધાની સાથે જઈ સાંજે 6 વાગ્યાના અરસામાં મૃતક પુત્ર દિનેશને નાના કપાયા સ્થિત 207 પૈકી સરકારી ટાવર્સની સુમસામ જગ્યાએ દફનાવી આવ્યો હતો. મંગળવારે સમગ્ર ઘટના સામે આવતા મોડી સાંજે મુન્દ્રા માંડવી વિસ્તારના પ્રાંત અધિકારી ચૌધરી સાથે પોલીસ કાફલો લઇ બનાવના સ્થળે પહોંચ્યો હતો.
પંચોની રૂબરૂ સગીરનું શબ બહાર કાઢવામાં આવ્યું હતું. બનાવ સંદર્ભે તપાસકર્તા સબ ઇન્સ્પેક્ટર ભાવેશ ભટ્ટે હત્યારા પિતાને નજર કેદ કરી લેવાયો હોવાનું જણાવી શબને જામનગર ખાતે પોર્ટમોર્ટમ અંગે મોકલી આપ્યું હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ હરેશે દિનેશની હત્યા કઈ રીતે કરી હોવાનું સામે આવશે તેવું જણાવ્યું હતું.
પરંતુ સમગ્ર બનાવ નજરે નિહાળી ચુકેલી દિનેશની પાંચ વર્ષીય બહેને માતા પરત ફરતા તેની સમક્ષ બનાવનું વર્ણન કરતાં માતાએ હમવતનીઓને ઘરે બોલાવી લીધા હતા.અને સૌએ ભેગા મળી પોલીસ મથકે પહોંચી બનાવ અંગે કેફિયત આપતા ઘટનાક્રમ પરથી પરદો ઉંચકાયો હતો.