મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે અઘાડી સરકાર દ્વારા પોલીસ ટ્રાન્સફર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના સંગીન આરોપો મૂકાયા હતા. પત્રકાર પરિષદને સંબોધન કરતાં ફડણવીસે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓની બદલી અંગેના રેકેટ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ રિપોર્ટ રજૂ કરાયો હોવા છતાં તેમણે તેમની સરકાર બચાવવા માટે કોઇ પગલાં લીધાં નહોતાં. ફડણવીસે જણાવ્યું હતું કે, જીએડી ડિપાર્ટમેન્ટ મુખ્યમંત્રી ઠાકરેના દાયરામાં આવે છે તેમ છતાં તેમણે કોઇ પગલાં લીધાં નહોતાં. સરકાર પાસે ઓગસ્ટ 2020થી આ રેકેટનો રિપોર્ટ છે તેમ છતાં અત્યાર સુધી તેના પર કોઇ કાર્યવાહી કરાઇ નથી. એમ લાગી રહ્યું છે કે પોતાની સરકાર બચાવવા માટે ઠાકરેએ આ રિપોર્ટ દબાવી રાખ્યો હતો.
ફડણવીસે જણાવ્યું હતું કે, મારી પાસે કોલ રેકોર્ડિંગનો 6.3 જીબી ડેટા છે. હું તે કેન્દ્રીય ગૃહ સચિવને આ ડેટા આપવાનો છું. આ આખા રેકેટની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવામાં આવે. કેન્દ્રીય ગૃહ સચિવ કસ્ટોડિયન છે અને મુખ્યમંત્રી જીએડીના ઇન્ચાર્જ હોવા છતાં રિપોર્ટ પર કોઇ કાર્યવાહી થઇ નથી. હું આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવાનો છું. આ કોલ ડેટામાં ઘણા મોટા માથાનો સમાવેશ થાય છે.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, રશ્મિ શુકલાએ એક પત્ર લખ્યો હતો અને તેમાં કેટલાક મોટા અધિકારીઓ અને નેતાો ટ્રાન્સફર પોસ્ટિંગ રેકેટમાં સામેલ હોવાનો દાવો કર્યો હતો. 25 ઓગસ્ટ 2020ના રોજ શુકલો લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર અંગેના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. તેમાં રાજકિય કનેક્શન ધરાવતા કેટલાક લોકોના નામ પણ સામેલ છે.