ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ સુધરવાની દિશામાં એકસાથે અનેક સ્તરે સકારાત્મક ઘટનાક્રમ શરૂ થયો છે. અઢી વર્ષ બાદ પહેલીવાર પાકિસ્તાની અધિકારીઓનું જૂથ દિલ્હી પહોંચ્યું અને મંગળવારે સિંધુ નદી જળ વિભાજન પર સ્થાયી આયોગની બે દિવસીય બેઠક શરૂ થઈ. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, આ બેઠક સાથે જ બંને દેશના સંબંધ સુધરવાની શક્યતા સર્જાઈ છે. પુલવામા હુમલાના જવાબમાં બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પહેલીવાર ભારત-પાકિસ્તાનના અધિકારીઓ સામસામે મુલાકાત કરી રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે, અત્યારે ઘણું બધું પાઈપલાઈનમાં છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના બેનર હેઠળ પબ્બી ક્ષેત્રમાં આતંક વિરોધી યુદ્ધાભ્યાસ થશે અને ભારતીય સેના તેમાં ભાગ લેશે. હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ આ કાર્યક્રમમાંથી ભારત પાછળ નહીં હટે કારણ કે, એસસીઓ રશિયા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન અને ભારત રશિયાને નારાજ કરવા નથી ઈચ્છતું. ભારતના ભાગલા પછી ઈતિહાસમાં પહેલીવાર ભારતીય સેના પાકિસ્તાનમાં આવા મૈત્રીભર્યા અભ્યાસમાં સામેલ થશે. ભારત અને પાકિસ્તાનની વાટાઘાટો પાટા પર લાવવા યુએઈ અને સાઉદી અરબે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ભારત-પાક. સંબંધોમાં નવો અધ્યાય
ભારતીય સેના પાક. જઇ સંયુકત યુધ્ધાભ્યાસ કરશે!