કોરોના મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં સરકારને રીતસરની ઘેરી હતી. પૂંજા વંશે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે સરકારે કોરોનાની સારવારના નામે કરોડોની નાણાકીય ગેરરીતિ આચરી છે. મૂળ 60 પૈસાની કિંમતની દવાની એક ટેબલેટનો ભાવ રેટ કોન્ટ્રાકટ 4.64 રૂ.નકકી કર્યો હતો પરંતુ 16.67 રૂ.ના ભાવે 30 લાખ કરતા વધુ ટેબલેટ ખરીદવામાં આવીછે. જયારે મેડિકલ કોર્પોરેશન દ્વારા નિયત કરવામાં આવ્યા હતા તેના 700 ટકા વધુ કિંમતે માસ્ક, ગ્લોવ્ઝ અને પીપીઇ કીટ ખરીદ્યાં હતાં. કોંગ્રેસના વીરજી ઠુમ્મરે કહ્યું કે હાલમાં કોરોના સંક્રમણ ચૂંટણીને કારણે જ વધ્યું છે.ચૂંટણી જીત્યાબાદ જે ઉત્સવો ઉજવાયા તેમા પણ કોઇ નેતા માસ્ક પહેરતા ન હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના કારણે કોરોના વધ્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે અહીં નમસ્તે ટ્રમ્પ અને ક્રિકેટની વાત કરો છો પણ મહારાષ્ટ્રમાં કોરોના હજારો કેસ આવે છે ત્યાં કયાં મેચ હતી. ક્રિકેટ મેચ અમદાવાદમાં હતી તો રાજકોટ, સુરતમાં ક્રિકેટના બોલથી કોરોનાના કેસ ઉછાળ્યા ?