કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. હાલના સંજોગોમાં જિલ્લાના અનાથ બાળકો અને દિવ્યાંગોની વ્હારે બાળ સુરક્ષા વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગ આવ્યું છે. દિવ્યાંગો અને અનાથ બાળકોને સરકારી સેવા માટે ભટકવું ન પડે અને જિલ્લા કક્ષા સુધી મુસાફરી ન કરવી પડે તેવું આયોજન સમાજ સુરક્ષા વિભાગ તરફથી કરવામાં આવ્યું છે.
હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તાલુકાના ગ્રામ્ય સ્તરે કામગીરી કરતા કોમ્પ્યુટર સાહસિકો અને સંબંધીત કર્મચારીઓને એક દિવસીય તાલુકા કક્ષાની ઈ–સમાજ કલ્યાણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમ્પ્યુટર સાહસિકોને દીવ્યાંગો અને અનાથ બાળકોને યોજનાકીય લાભોની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દીવ્યાંગો અને અનાથ બાળકોને સરકાર દ્વારા વિવિધ લાભો માટે હવે માત્ર ગ્રામ પંચાયત કચેરી ખાતે ઈ-ગ્રામ સેન્ટર મારફત ઓનલાઈન અરજી કરવાથી ઘર બેઠા, ગામડેથી જ તમામ લાભ મળશે.
આગામી સમયમાં દ્વારકા તાલુકાની તાલીમનું આયોજન કરી, દ્વારકા તાલુકાના દીવ્યાંગો અને અનાથ બાળકોને લાભ ગ્રામ પંચાયત કચેરીથી મળતા થશે. હાલ આ સુવિધા ઉભી થવાથી કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાય અને આર્થીક અને સમયનો બચાવ જરૂર થશે. આ તાલીમમાં ખંભાળિયા પ્રાંત અધિકારી, ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુરના તાલુકા વિકાસ અધિકારી, તેમજ અન્ય અધિકારી- કર્મચારી, સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઈ મોરી તેમજ બાળ સુરક્ષા કચેરીના પી.એમ.ખેરાળા ઉપસ્થિત રહ્યા હતા.