જામનગરના એડવોકેટની સરાજાહેર કરાયેલી હત્યા પ્રકરણમાં પોલીસે ત્રણ હત્યારાઓને કલકતાથી ઝડપી લઇ જામનગર લઇ આવ્યા હતાં અને આ ત્રણેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતા અદાલતે 12 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં. પોલીસે રિમાન્ડ દરમિયાન આજે આ ત્રણેય આરોપીઓની નજરે જોનાર વ્યકિતઓ સમક્ષ ઓળખ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસની ટીમ મુંબઇ તથા નેપાળ જવા રવાના થશે. જ્યાં આરોપીઓએ બનાવેલા બોગસ પાસપોર્ટ અને વાહન કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર શહેરમાં સરાજાહેર એડવોકેટ કિરીટ જોષીની હત્યા પ્રકરણમાં પોલીસે કલકતાથી ઝડપેલા ત્રણ હત્યારાઓના 12 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. તેમજ આ રિમાન્ડ દરમિયાન નજરે જોનારા 14 સાહેદો પાસેથી આરોપીઓની ઓળખપરેડ કરાવાશે. જો સાહેદોમાંથી કોઇ આરોપીઓને ઓળખી બતાવશે તો તે સાથે જ પોલીસને આ કેસમાં એક મહત્વનો અને સજ્જડ પુરાવો મળી જશે. આરોપીઓની ઓળખ વિધિ પૂરી થયા બાદ પોલીસની એક ટીમ એક આરોપીને લઇને નેપાળ બોર્ડર કે જ્યાં ગુનામાં વપરાયેલા બન્ને બાઈક મુકી દીધાની કબુલાત આપી છે તે કબ્જે કરવા જશે. જ્યારે બીજી ટીમ એક આરોપીને લઇ મુંબઇ તપાસ માટે જઈ ત્યાં ઘણો સમય રોકાયા હતાં એટલું જ નહીં મુંબઇથી જ બનાવટી પાસપોર્ટ પણ તૈયાર કરાવ્યા હતાં. ત્યારે આ પાસપોર્ટ કોની પાસેથી તૈયાર કરાવ્યા હતાં. ત્રણેય આરોપીઓના નકલી પાસપોર્ટ પણ પોલીસે કબ્જે કરી લીધા છે. ત્રીજા આરોપીને લઇને પણ પોલીસની એક ટીમ બીજા રાજ્યમાં જશે.
ત્રણેય આરોપીઓ ભાગી ગયા બાદ અનેક રાજ્યોમાં ગયા હતાં. જેથી ત્યાં કઇ કઇ હોટલમાં રોકાયા હતાં તે પુરાવા પણ પોલીસ કબ્જે કરવાના પ્રયાસો કરશે. આરોપીઓ હાલ 12 દિવસના રિમાન્ડ પર છે. જ્યારે ભૂમાફિયા અને આ કેસનો માસ્ટર માઈન્ડ જયેશ પટેલ પણ લંડનથી પકડાઈ ગયો છે. તેને પ્રત્યાર્પણથી ભારત લઇ આવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે તે અત્રે ઉલ્લેખનીય છે.