ગયા વર્ષે કોરોનાના કારણે પલાયન કરનારા લોકો ફરી સુરત છોડીને જવા લાગ્યા છે. રેલવેનો સહારો ન મળતાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય બસોમાં પોતાના ગામ જઇ રહ્યા છે. આ જાણકારી મળતાં સામાજિક સંગઠનો અને રાજકીય અગ્રણીઓએ આગળ આવવું પડયું છે. ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ લોકોને શહેર છોડીને ન જવા અપીલ કરી હતી. સામાજિક સંગઠનના જણાવ્યા પ્રમાણે દરરોજ સુરતથી 30 થી વધુ બસ ઉત્તર પ્રદેશ જવા ઉપડી રહી છે. દરેક બસમાં 100 જેટલા મુસાફરી ભરેલો હોય છે. લોકોએ ભાડાના મકાન પણ ખાલી કરી દીધાં છે અને સામાન સાથે લઇ જઇ રહ્યા છે.
થોડા મહિના પહેલાં જ સુરત આવેલા મજૂરોની વચ્ચે અફવા ફેલાઇ છે કે 26 માર્ચથી લોકડાઉન લાગુ થઇ જશે. ગામડાંમાં રહેતા તેમના પરિવારજનો પણ ફોન કરીને પાછા આવી જવા કહી રહ્યા છે પણ સંતોષકારક જવાબ મળતા નથી તેથી પલાયન કરી રહ્યા છે.
મને જાણવા મળ્યું કે, લોકો બસો બુક કરાવી પોતાના ગામ પાછા જઇ રહ્યા છે. આ વાત સાચી હતી એટલે મારે તેમને અપીલ કરવી પડી જેથી પહેલાં જેવી સમસ્યા ન થાય. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અહીં લોકડાઉન થવાનું નથી એટલે ચિંતાની જરૂર નથી. એમ સી.આર. પાટીલે જણાવ્યું છે.