ગુજરાત સહીત દેશભરમાં કોરોનાની મહામારીએ મહારૂપ ધારણ કર્યું છે. ફરી એક વખત દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશના સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાંથી આવ્યા છે. જેના પરિણામે અહીં ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફને જ બોલાવવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્રના તમામ થીયેટરો અને સિનેમાહોલમાં પણ 50% દર્શકોને જ બોલાવી શકાશે.
મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે આગામી 31માર્ચ સુધી નવા નિયમ અનુસાર કોઈ પણ સરકારી અથવા ખાનગી ઓફિસમાં માસ્ક પહેર્યાં વગર કોઈને પણ દાખલ થવાની મંજૂરી નહીં હોય. કાર્યાલયમાં તમામ લોકોનું તાપમાન લેવામાં આવશે અને દરેક કાર્યાલયમાં જરુરી સ્થળોએ સેનેટાઈઝર પણ રાખવામાં આવશે. આરોગ્ય અને જરુરી સેવાઓ સંબંધિત ખાનગી અને સરકારી ઓફિસોને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1193 દર્દીઓ સ્વસ્થ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 3,52,835 કેસ નોંધાયા છે, જેમાંથી 3,21,947 દર્દીઓ સાજા થયા છે. મુંબઈમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા 18,424 છે જ્યારે કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં 11,555 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશના 60% એક્ટીવ કેસ માત્ર મહારાષ્ટ્રમાંથી જ છે. અહીં દિવસે દિવસે કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.