ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતના મહિલાઓના જીન્સ પહેરવા અંગેના નિવેદન અંગે હોબાળો મચ્યો છે. દરમિયાન, ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ટૂંકા કપડાં પહેરેલા ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આજથી જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ટ્રસ્ટ દ્રારા જણાવવામાં આવ્યું છે કે, ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને મંદિરની બહાર રોકી દેવામાં આવશે. જો કે મંદિરમાં દર્શન કરવા માટે ટ્રસ્ટ દ્રારા કપડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત, મંદિરની બહાર પુરૂષો માટે એક ધોતી અને મહિલાઓ માટે પણ કપડાની વ્યવસ્થા હશે, જે પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકાશે. ટ્રસ્ટે મંદિરની બહાર એક બોર્ડ પણ ગોઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે ટૂંકા કપડા અને બર્મુડા પહેરીને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
શામળાજી ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું છે. જેનું નામ શામળાજી વિષ્ણુ મંદિરના નામ પરથી છે. તે લગભગ 2,000 વર્ષ જૂનું મંદિર છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કાંઠે આવેલું છે. શ્રીહરિના આઠમા અવતાર શ્રી કૃષ્ણના શ્યામલ સ્વરૂપ પછી તેનું નામ આપવામાં આવ્યું છે.આ ગુજરાતનું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે.