Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશહેરની વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની સહભાગિતા વધશે : મેયર

શહેરની વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની સહભાગિતા વધશે : મેયર

જામ્યુકોના પદાધિકારીઓ અને ભાજપાની સંગઠન પાંખ ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે: સામાન્ય સભામાં મહિલાઓને વાચાળ બનવા અને સમસ્યાઓ માટે બોલવા આગળ આવવા પ્રોત્સાહિત કરાશે : શહેરમાં વિકાસ પ્રક્રિયાને વેગ આપવા જામ્યુકોના પદાધિકારીઓ કટિબદ્ધ : લોકોની આશા-અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પ્રયાસ કરવાની ખાતરી

- Advertisement -

જામનગર શહેરની વિકાસની પ્રક્રિયામાં મહિલાઓની સહભાગિતા વધે તે માટે પ્રયાસો કરવામાં આવશે. તેમજ મહિલા સશકિતકરણને ધ્યાનમાં રાખી જામ્યુકોની સામાન્ય સભામાં મહિલાઓ વિકાસ અને સમસ્યાઓને લઇને પોતાનો અભિગમ અને અભિપ્રાય નિર્ભિકપણે રજુ કરે તે માટે પ્રોત્સાહિત કરવા અને પર્યાપ્ત તક આપવા જામનગરના મહિલા મેયર અને સત્તાપક્ષના મહિલા નેતાએ કોલ આપ્યો છે.
જામનગર મહાપાલિકાના નવનિર્વાચિત પદાધિકારીઓ મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા તથા દંડક કેતન ગોસરાણી તેમજ જામનગર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ ડૉ. વિમલ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા સહિતના હોદેદારોએ આજે ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે ‘ખબર ગુજરાત’ના મેનેજીંગ તંત્રી નિલેશભાઇ ઉદાણીએ શુભેચ્છા મુલાકાતે આવેલા તમામ પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. આ તકે ઉપસ્થિત નિવાસીતંત્રી નેમિષ મહેતાએ પણ પદાધિકારીઓને ‘ખબર ગુજરાત’માં આવકારી શુભેચ્છા પાઠવી હતી.
શુભેચ્છા મુલાકાત દરમ્યાન પદાધિકારીઓ સાથે થયેલી ઔપચારિક વાતચીતમાં મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરનો સર્વાંગી વિકાસ જ સત્તાધિશોનો મુખ્ય ધ્યેય રહેશે. શહેરમાં ચાલી રહેલી વિકાસ પ્રક્રિયાના ઝડપભેર આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ ચૂંટણી સમયે પક્ષે જાહેર કરેલાં સંકલ્પપત્ર મુજબના કામોને પૂર્ણ કરવા તરફ લક્ષ્ય આપવામાં આવશે. ખાસ કરીને રાજય અને કેન્દ્ર સરકારની જેટલી પણ મહિલા લક્ષી યોજનાઓ છે તે યોગ્ય અને જરૂરિયાતમંદ મહિલાઓ સુધી પહોંચાડવા માટેના સઘન અને સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે.
જામનગર મહાપાલિકાને આત્મનિર્ભર બનાવવા માટે પાલિકાની આવક વધારવી જરૂરી હોય આ દિશામાં પણ ગંભીરતાપૂર્વક વિચારણા કરી એવા પ્રોજેકટો તૈયાર કરવામાં આવશે. જેનાથી શહેરનો વિકાસ પણ થાય અને આવકમાં પણ વધારો થાય. ખાસ કરીને શહેરમાં નવા ભળેલાં વિસ્તારો માટેની ટીપી સ્કીમ ઝડપભેર તૈયાર કરી તેને મંજુર કરાવવાના પ્રયાસો કરવામાં આવશે. જેથી જામ્યુકોને વધારાની જમીન પ્રાપ્ત થઇ શકે. તેમ સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયાએ જણાવ્યું. શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા તથા મહામંત્રી મેરામણભાઇ ભાટુએ શહેરના મહત્વાકાંક્ષી ફલાયઓવર પ્રોજેકટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ફલાયઓવર નિર્માણની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં ફલાયઓવરનું દેખીતું કામ પણ શરૂ કરી દેવામાં આવશે.
આ તકે નવનિર્વાચિત પદાધિકારીઓએ એક ટીમ બનીને કાર્ય કરવાની ખાતરી આપી હતી. તેમજ જે ઉત્સાહથી પ્રારંભ થયો છે તેવો જ ઉત્સાહ ટર્મના અંત સુધી જળવાઇ રહેશે. તેવો કોલ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular