જામનગર શહેરમાં ત્રણ વર્ષ પૂર્વે એડવોકેટની સરાજાહેર કરાયેલી હત્યામાં પોલીસની ટીમે કલકતામાંથી ત્રણ હત્યારાઓને દબોચી લઇ ટ્રાન્ઝિડ રિમાન્ડ પર જામનગર લઇ આવ્યાં હતાં અને આ ત્રણેય હત્યારાઓ પાસેથી સનસનીખેજ વિગતો પૂછપરછ દરમિયાન ખુલ્લી હતી. આજે આ ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝિડ રિમાન્ડ પૂરા થતા અદાલતમાં રજૂ કરી રેગ્યુલર 14 દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરાશે તેમજ આ ચકચારી પ્રકરણમાં સરકાર દ્વારા એડવોકેટની ખાસ નિમણૂક કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર ટાઉન હોલ પાસે જયોત ટાવરની સામે રોડ ઉપર તા.28/4/2018 ના રાત્રીના સુમારે જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોષી ઉપર બાઇક પર આવેલ અજાણ્યા બે શખ્સોએ છરીના આડેધડ ઘા મારી હત્યાના બનાવમાં અશોકભાઇ હરીશંકરભાઇ જોષી એડવોકેટના નિવેદનના આધારે ફરિયાદ નોંધી 6 આરોપીઓ ઝડપી લીધા હતા તેમજ જયસુખ ઉર્ફે જયેશ મુળજી ભાઈ રાણપરિયા પટેલ, દિલીપ નટરવરભાઇ પુજારા ઠકકર, હાર્દિક નટરવરભાઇ પુજારા ઠકકર, જયંતકુમાર અમૃતભાઇ ચારણ નામના શખ્સો ગુન્હો આચર્યા બાદ નાસતા-ફરતા હોય જેથી આ ગુન્હાની વધુ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. આ પ્રકરણમાં જામનગર પોલીસવડા દિપન ભદ્રનના નેજા હેઠળ પોલીસ વિભાગ દ્વારા ત્રણ હત્યારાઓને કલકતામાંથી ઝડપી લઈ જામનગર લઇ આવવામાં આવ્યાં હતાં. જ્યાં આ ત્રણેયના ટ્રાન્ઝિડ રિમાન્ડ પૂરા થતા આજે સાંજે જામનગરની અદાલતમાં 14 દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવશે અને ચકચારી પ્રકરણ માટે સરકાર દ્વારા એડવોકેટ અનિલ દેસાઈની ખાસ નિમણૂક કરવામાં આવી છે.
આ ચકચારી પ્રકરણમાં વધુમાં મળતી માહિતી મુજબ, આરોપી જયસુખ ઉર્ફે જયેશ રાણપરિયા વિરૂધ્ધના જમીન કૌભાંડના કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે કિરીટભાઇ જોષી રોકાયેલ હતા અને આ જમીન કૈભાંડના કેસોમાં જયસુખ ઉર્ફે જયેશ રાણપરીયો તથા સહ આરોપીઓને જામનગર સેસન્સ કોર્ટ, હાઇકોર્ટ, તથા સુપ્રિમ કોર્ટમાં આગોતરા જામીન તથા રેગ્યુલર જામીન મેળવવામાં નિષ્ફળ જતા લાંબો સમય જેલમાં રહેવાના કારણે આર્થીક નુકશાન થયાનો રાગદ્વેષ રાખી એડવોકેટ કિરીટ જોષીની હત્યા માટે જયસુખ ઉર્ફે જયેશ રાણપરિયાએ ઓગસ્ટ-2017 માસમાં અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમા રહેલા આરોપી દિલીપ ઠકકર સાથે કાવતરૂ રચી ત્રણ કરોડની સોપારી આપી હતી અને જયેશએ દિલીપ ઠકકર તથા હાર્દિક ઠકકરને જેલમાથી તા.7/12/17 ના પેરોલ ઉપર છોડાવવાની વ્યવસ્થા કરી આપી હતી.
તેમજ જયસુખ ઉર્ફે જયેશ રાણપરિયાએ બીજા માણસો આરોપી સાયમન લુઇસ તથા અજય મહેતા સાથે મુંબઇમાં મિટિંગ કરી ખૂન કરવા માટે પચાસ લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ તમામ આરોપીઓને જયસુખ રાણપરિયા સાથે વોટસઅપમા સંપર્કમાં રહી મૃતક એડવોકેટ કિરીટ જોષીનો ફોટો મોકલી હત્યા કરવાનું જણાવ્યું હતું. એડવોકેટની હત્યા માટે જયસુખ ઉર્ફે જયેશ રાણપરિયા, દિલીપ ઠકકર તથા હાર્દિક ઠકકર તથા જયંત ગઢવી તથા અજયપાલસિંહ પુવાર સહિતનાઓએ અમદાવાદ, મહેસાણા,માઉન્ટ આબુ, તથા રાજસ્થાનના ચામુંડ ગામે ગુનાને અંજામ આપવા માટે કાવતરાના ભાગરૂપે અલગ અલગ મિટિંગો કરી હતી.
આરોપી જયસુખ ઉર્ફે જયેશ રાણપરિયાએ સીમકાર્ડ મોબાઇલ ફોનની વ્યવસ્થા કરી અને ત્રણ કરોડ રૂપિયા સોપારી પૈકી 20 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. તેમજ સાયમન લુઇસ તથા અજય મહેતા સાથે મુંબઇ મુકામે કાવતરાના ભાગ રૂપે મિટિંગો કરી હત્યા માટે કરવા માટે એડવાન્સના અઢી લાખ રૂપિયા આપી અને દિલીપ ઠકકર, હાર્દિક ઠકકર, જયંત ગઢવી, રવિ ગંગવાણી તથા મનિષ ગઢવી સાથે કાવતરુ રચી નૈમિષ ગણાત્રા સાથે રાજકોટમાં મિટિંગ કરી બાઇકની વ્યવસ્થા કરી આપી હતી.
આ હત્યાને અંજામ આપવા દિલીપ ઠકકર, હાર્દિક ઠકકર, જયંત ગઢવીએ અમદાવાદમાંથી સ્કોડા કાર તથા રાજકોટમાંથી બે સ્પ્લેન્ડર પ્લસ બાઇક ખરીદ્યા હતા ત્યારબાદ જામનગરમાં આવી હાર્દિક ઠકકરે ટાઉનહોલ પાસે રાત્રીના સમયે એડવોકેટ કિરિટ જોષી ઉપર આડેધડ છરીના ધા ઝીંકી બે બાઇક પર ત્રણેય શખ્સો નાશી ગયા હતા. બાદમાં એડવોકેટનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી પોલીસે તાત્કાલિક એકશનમાં આવી અને બનાવ સ્થળના સીસીટીવી ફુટેજ નિહાળતા આ ફુટેજોમાં દિલીપ અને હાર્દિક ઠકકર તથા જયંત ગઢવી સહિતના ત્રણ શખ્સો સોયલ ટોલ નાકા, પડધરી ટોલ નાકા, તથા ગોંડલ ભરૂડી ટોલ નાકા તથા રાજકોટ શહેરમા ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીના અલગ અલગ સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યા હતા. અને આ ત્રણેય શખ્સો જયેશ રાણપરિયા સાથે સતત સંપર્કમાં હતા.
દરમિયાન આ ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસ અધિક્ષક દીપન ભદ્રનનાઓને અંગત બાતમીદારથી ચોકકસ હકિકત મળેલ કે, આ ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ દિલીપ પુજારા ઠકકર, હાર્દિક ઠકકર અને જયંતકુમાર ચારણ ત્રણેય ખોટા નામ ધારણ કરી ભારત તેમજ વિદેશમાં અલગ અલગ જગ્યાએ આશરો મેળવેલ છે અને હાલ વેસ્ટ બંગાળ રાજયમાં કલકતામાં છુપાઇને રોકાયેલ છે. જેથી પોલીસ અધિક્ષકની સુચનાથી એલસીબીના પીઆઇ કે.જી.ચૌધરી તથા એસઓજીના પીઆઇ એસ.એસ.નિનામોના માર્ગદર્શન હેઠળ એલસીબી તેમજ એસઓજીની ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી. જેમાં પીએસઆઇ બી.એમ.દેવમુરારી તથા પીએસઆઇ કે.કે. ગોહિલને જવાબદારી સોંપેલી તેમજ પીએસઆઇ આર.બી.ગોજિયા અને પેરોલ ફર્લો પીએસઆઇ એ.એસ.ગરચર ટીમ સાથે કલકતા રવાના કરાયા હતાં. ટેકનીકલ સપોટ માટે પીએસઆઇ એમ.ટી.પરમાર તથા હેકો નિર્મળસિંહ એસ.જાડેજા અને પોકો બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા ટેકનીકલ સેલ જામનગર જિલ્લા એલસીબી રાઉન્ડ ધ કલોક કાર્યરત હતા.
મળેલી માહિતી આધારે કોલકતા પહોંચેલી ટીમના સભ્યો દ્વારા ત્રણેક દિવસ સુધી સતત વોચ રાખી આરોપીઓને ઓળખી પાડવામાં સફળ થયા હતાં. આરોપીઓને જે વિસ્તારમાંથી પકડવાના હતા તે વિસ્તાર ગીચ વસ્તી વાળો હોવાથી આરોપીઓ આ બનાવ અગાઉ ખૂનના ગુન્હામાં સંડોવાયેલ હોવાથી પીઆઇ કે.જી.ચૌધરી સાથે સીધા સંપર્કમાં રહી સ્થાનિક વિસ્તારને અનુરૂપ વેશ પલ્ટો કરી આ ઓપરેશન સફળતા પુર્વક પાર પાડેલ અને આરોપી દિલીપ નટરવરભાઇ પુજારા ઠકકર, હાર્દિક નટરવરભાઇ પુજારા ઠકકર અને જયંતકુમાર અમૃતભાઇ ચારણ રહે.ત્રણેય અમદાવાદ વાળાને તા.14/03/2021 પકડી પાડવામાં આવ્યાં હતાં.
આ દરમ્યાન પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજયએ આ ગુન્હાની તપાસ સીઆઈડીથી જામનગર સુપ્રત કરતા પીએસઆઇ કે.કે.ગોહિલ એ તાત્કાલિક તપાસ સંભાળી કલકતા પહોંચેલા અને જરૂરી કાર્યવાહી કરી પાંચ દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી આ કામે ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં જામનગરમાં કિરીટ જોષીના ખૂન કર્યા બાદ જામનગરથી ધ્રોલ, સામખીયાળી થઇ રાજસ્થાન જયપુર, લખનૌ થઇ નેપાળની સનોલી બોર્ડરથી નેપાળમાં કાઠમંડુ તેમજ પોખરા મુકામે આશરો લીધેલ અને નેપાળથી પાછા ભારતમાં દાર્જીલીંગ આવી અને ત્યાંથી ભૂતાન દેશમાં દોઢેક મહિનો રોકાયેલ અને ત્યાંથી પરત ભારતના આસામના ગુવાહાટી, નાગાલેન્ડ, વેસ્ટ બંગાળના સીલીગુડી, કલકતા, ઓડીસ્સાના ભુવનેશ્ર્વર અને બિહારના રાયપુર, આંધ્રપ્રદેશના હૈદરાબાદ અને ચેનાઇ, મરામેશ્ર્વરમ, કન્યાકુમારી રોકાયેલ અને ત્યાંથી મુંબઇ આવી અને દિલીપ નટરવરભાઇ પુજારા ઠકકર (પાસપોર્ટમાં ખોટુ નામ-રાજેશ નટવરભાઇ ઠકકર), હાર્દિક નટરવરભાઇ પુજારા ઠકકર (ખોટુ નામ-સચીન નટવરભાઇ ઠકકર) અને જયંતકુમાર અમૃતભાઇ ચારણ (ખોટુ નામ-જીજ્ઞેશ અમૃતભાઇ ગઢવી) ડુપ્લીકેટ નામના જયેશે પાસપોર્ટ બનાવડાવી આપ્યા હતાં અને આ ત્રણેય શખ્સોને થાઇલેન્ડમાં અને ત્યાંથી સેનેગલ રોકાયા હતા અને કોરાના કારણે લોકડાઉન થતા સંપુર્ણ સમય સેનેગલમાં રોકાયેલ હતા અને ત્યાંથી થોડા દિવસો પહેલા ભારત આવી કલકતામાં રોકાયા હતા અને કલકતામાં જામનગર એલસીબીના હાથે પકડાઇ ગયા હતા અને વધુ પુછપરછ દરમિયાન બનાવ અગાઉ મૃતક વકીલની રેકી કરી વોટસઅપ ઉપર જયેશ પટેલએ મરણજનાર અને તેમની કારના ફોટાઓ મોકલેલ હતા અને જયેશ ઉર્ફે જયસુખ પટેલ હાલના પકડાયેલ ત્રણેય આરોપીઓને દર મહિને ત્રણથી પાંચ લાખ રૂપિયા આપી અલગ-અલગ જગ્યાએ છુપાવી રાખી આશરો આપવા માટે આર્થિક મદદ કરતો હતો.
કલકતામાંથી ઝડપાયેલા દિલીપ નટરવરભાઇ પુજારા ઠકકર, હાર્દિક નટરવરભાઇ પુજારા ઠકકર અને જયંતકુમાર અમૃતભાઇ ચારણ નામના ત્રણેય શખ્સોના ટ્રાન્ઝિડ રિમાન્ડ પૂરા થતા અદાલતમાં રજૂ કરી રેગ્યુલર રિમાન્ડ મેળવવા અને હત્યાનું રીકન્સ્ટ્રકશન કરાવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમજ ત્રણેય હત્યારાઓ બોગસ પાસપોર્ટના આધારે ચાર દેશોની મુસાફરી કરી આવ્યા છે જે ગંભીર બાબત છે.