ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણના લીધે અમદાવાદ અને સુરતમાં ઘણી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આજથી વડોદરામાં પણ બાગ-બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અહીં રાત્રી કર્ફ્યું પણ લાગુ કરવામાં આવ્યું છે.
વડોદરામાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આજથી અહીં પણ બાગ-બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તારીખ 31મી માર્ચે સ્થિતિની સમીક્ષા કરાશે જેના આધારે બાગ બગીચા ખોલવા કે પછી વધુ સમય સુધી બંધ રાખવા તે અંગે નિર્ણય થશે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 25,652 પર પહોંચી ગયો છે. કોરોનાને નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 243 પર સ્થિર રહ્યો છે. વડોદરામાં હાલ 648 એક્ટિવ કેસ પૈકી 101 દર્દી ઓક્સિજન ઉપર અને 47 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 500 દર્દીની હાલત સ્થિર છે.પાલિકા દ્વારા કેસ વધતા બાગ બગીચા અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે.સયાજી બાગ સહિત 117 બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે.