ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં યુવાન ઉપર હુમલો કરી લૂંટના બનાવમાં ફરિયાદના આધારે તપાસ હાથ ધરી 11 શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ હુમલા અને લૂંટમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું ખૂલ્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા શૈલષ હીરજીભાઈ પરમાર નામના યુવાન પર ત્રણ દિવસ પહેલાં હુમલો કરી રોકડ રકમ અને મોબાઇલ ફોનની લૂંટના બનાવમાં ઈજાગ્રસ્તના ભાઈ સવજી હિરજીભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી જેમાં 11 આરોપીઓના નામ જાહેર કરાયા હતાં. ફરિયાદના અનુસંધાને જામનગર ગ્રામ્યના એસસીએસટી સેલના ડીવાયએસપી અને તેમની ટીમ દ્વારા સોંડાભાઈ વજાભાઈ મેવાડા, હકકાભાઈ વીરાભાઈ મેવાડા, કૃષ્ણકુમારસિંહ મહિપતસિંહ જાડેજા, સંજય ટીડાભાઈ મેવાડા, નોંધાભાઇ સોંડાભાઈ મેવાડા, નવઘણભાઈ ટીડાભાઇ મેવાડા, ટીડાભાઈ વજાભાઈ મેવાડા, મહેશ ગોગનભાઇ વકાતર, કાનજી રણછોડભાઈ બોડીયા, વિજય ધનાભાઈ ટોયટા અને ભાવેશ કાનાભાઈ ખીટ સહિત રાજકોટના ચાર સહિત 11 શખ્સોની અટકાયત કરી છે. તેમજ પોલીસે હકાભાઈ ટીડાભાઈ સહિત છ નથુવડલા ગામના આરોપીઓને રિમાન્ડ પર લીધા છે. તેઓની પૂછપરછમાં હુમલાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે. આરોપીની બહેન સાથે ઈજાગ્રસ્ત યુવાન શૈલેષ પ્રેમ કરી રહ્યો હોવાની શંકાના આધારે તમામ આરોપીઓએ હુમલો કરી લૂંટ ચલાવ્યાનું જણાવાયું છે.