રાજ્યમાં કોરોનાના કેસો વધતાં ચાર મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાની સ્થિતિ વધારે વણસી રહી છે પરિણામે કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના તમામ બાગ- બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય આગામી નિર્ણયના લેવાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજથી સુરતમાં પણ શાળા-કોલેજો અને ટ્યુશન સહીત બાગબગીચા અને સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની સ્થિતિ ગત વર્ષે માર્ચ મહિનામાં હતી તેવી જોવા મળી રહી છે. ગઈકાલના રોજ અમદાવાદમાં કોરોનાના 241 કેસ નોંધાયા છે. અને બે દર્દીઓના મોત નીપજ્યા છે. અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પણ દર્શકો વગર જ ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ત્યારે આવતીકાલથી ફરી બાગ-બગીચાઓ અને કાંકરિયા તેમજ પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવામાં આવશે.