ઇંગ્લેન્ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવી 5 ટી-20ની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 157 રનનો પીછો કરતાં ઇંગ્લિશ ટીમે 18.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. તેમના માટે જોસ બટલરે પોતાના ટી-20 કરિયરની 11મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 83 અણનમ રન કર્યા. આ બટલરનો ઇન્ટરનેશનલ ટી-20માં હાઈએસ્ટ સ્કોર છે. ભારત ઘરઆંગણે પ્રથમ બેટિંગ કરતાં છેલ્લી 10માંથી 7 મેચ હાર્યું છે.
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ 77 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો. પરંતુ તેના પર જોસ બટલરની ફિફટીએ પાણી ફેરવ્યું. તેણે 52 બોલમાં 83 રન ફટકારીને ટીમને મેચ જિતાડી.
જોસ બટલરે પોતાની ઇનિંગ્સ દરમિયાન એક મેજર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે 83 અણનમ રન કરીને ઇંગ્લેન્ડ વતી ભારત સામે એક ઇનિંગ્સમાં સૌથી રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. અગાઉ આ રેકોર્ડ ઓઇન મોર્ગનના નામે હતો. મોર્ગને 2014માં એજબેસ્ટન ખાતે 71 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમ ટી-20માં સૌથી વધુ વખત ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે હારી છે. બંને સામે ભારતે 9-9 વખત મેચ ગુમાવી છે. 15મી ઓવરના છેલ્લા બોલે કોહલીએ બટલરને જીવનદાન આપ્યું. ચહલની બોલિંગમાં કોહલીએ કેચ છોડ્યો. ત્યારે બટલર 76 રને રમી રહ્યો હતો.
જેસન રોય 9 રને યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 9 રન કર્યા હતા. સ્પિનર વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતે ડેવિડ મલાનને સ્ટમ્પ કર્યો હતો.
ભારતે ઇંગ્લેન્ડ સામે 5 ટી-20 શ્રેણીની ત્રીજી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 156 રન કર્યા છે. વિરાટ કોહલીએ પોતાના ટી-20 કરિયરની 27મી ફિફટી ફટકારતાં 46 બોલમાં 8 ફોર અને 4 સિક્સની મદદથી 77 અણનમ રન કર્યા. તેણે અને હાર્દિક પંડ્યાએ છઠ્ઠી વિકેટ માટે 33 બોલમાં 70 રનની ભાગીદારી કરી. ઇંગ્લેન્ડ માટે માર્ક વુડે 3 અને ક્રિસ જોર્ડને 2 વિકેટ ઝડપી.
ઋષભ પંત અને વિરાટ કોહલીએ ચોથી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. બંને મોમેન્ટમ ભારત તરફ ફેરવી રહ્યા હતા. પરંતુ ત્યારે જ પંત રનઆઉટ થયો હતો. સેમ કરનની બોલિંગમાં સ્વીપર કવર પર પંતે શોટ માર્યો, તે અને વિરાટ 2 રન દોડ્યા. બીજો રન પૂરો થયો એ પછી બટલરે બોલને સ્ટમ્પ પર માર્યો. બોલ સ્ટમ્પને અડીને દૂર ગયો તો કોહલીએ ત્રીજો રન લેવાનો પ્રયાસ કર્યો. બટલરે બોલ પીક કરીને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર પંતને રનઆઉટ કર્યો. પંતે ફૂલલેન્થ ડાઇવ લગાવી તેમ છતાં ક્રિઝમાં આવી શક્યો નહોતો. પંતે 20 બોલમાં 3 ફોરની મદદથી 25 રન કર્યા હતા.
ઈશાન કિશન 4 રને ક્રિસ જોર્ડનની બોલિંગમાં કીપર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. જોર્ડને આ ઓવર મેડન નાખી અને ગઈ મેચમાં ડેબ્યુ પર ફિફટી મારનાર કિશનને પેવેલિયન ભેગો કર્યો.
પ્રથમ બે મેચમાં આરામ કર્યા પછી રોહિત શર્મા પોતાના અંદાજમાં રમી શક્યો નહોતો. તેણે 17 બોલમાં 2 ફોરની મદદથી 15 રન કર્યા હતા. તે માર્ક વુડની બોલિંગમાં શોર્ટ ફાઈન-લેગ પર જોફરા આર્ચરના હાથે કેચ આઉટ થયો હતો. તે શરૂઆતને મોટા સ્કોરમાં ક્ધવર્ટ ન કરી શક્યો.
ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને ભારત સામે 5 ટી-20 શ્રેણીની ત્રીજી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં 1 બદલાવ કર્યો છે. ટોમ કરનની જગ્યાએ માર્ક વુડ રમી રહ્યો છે. જ્યારે ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવની જગ્યાએ રોહિત શર્માની વાપસી થઈ છે. રોહિત અને લોકેશ રાહુલ ઓપનિંગ કરશે. ઈશાન કિશન ત્રીજા ક્રમે બેટિંગ કરશે.