ગુજરાત સહીત દેશભરમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. કરફયુનો સમય 2 કલાક વધતા બુધવારથી રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થશે. પાલિકાએ સિટી અને બીઆરટીએસના 20 રૂટની 300 બસ, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, ઝૂ, એક્વેરિયમ, ગોપીતળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ તેમજ એક સપ્તાહ સુધી ટ્યુશન ક્લાસ અને શાળાઓ બંધ કરવાની ચૂચના આપી દીધી છે.
સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં બસો બંધ કરાઈ છે. આ ઉપરાંત શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસ પણ ઓનલાઇન જ ચલાવી શકાશે. ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસથી સુરતની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હતું. પરિણામે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે સુરતમાં કોરોનાના નવા 263 જ્યારે જિલ્લામા 29 મળી કુલ 292 કેસ નોંધાયા છે. રાંદેર ઝોનમાં 156 વિસ્તારો ક્લસ્ટર ઝોનમાં મુકાયા હોવાથી આ વિસ્તારમાં આનંદમહલ રોડના ઈસ્કોન પ્લાઝા શોપિંગ સેન્ટરને બંધ કરાવાયું છે.
સુરતમાં અત્યાર સુધી 178 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. હાલ શહેરમાં 1250 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. અને 29410 ઘરોને ક્લસ્ટર કન્ટેનમેન્ટમાં મુકાયા છે. 1,19,476 વ્યક્તિઓ પણ કોરેન્ટાઈન હેઠળ છે.