એક તરફ કોરોના વાયરસનું સંક્રમણ ગુજરાત સહિતના રાજ્યોમાં વધી રહ્યું છે અને બીજી બાજુ કોરોનાની વેક્સીનનું રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. જોકે સંસદીય સ્થાયી સમિતિએ દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સીનેશનને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે.
ગૃહમાં સંસદની સ્થાયી સમિતિએ દેશમાં વેક્સીનેશનની ધીમી ગતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આખા દેશમાં જો આ જ ગતિએ વેક્સીનેશન કરવામાં આવશે તો અનેક વર્ષનો લાગી જશે. રાજ્યસભામાં સોમવારે રજૂ કરાયેલા ગૃહ મંત્રાલયની માંગ સંબંધી રિપોર્ટ પર સમિતિએ આ ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકો વેક્સીનનો બીજો ડોઝ લઈ શક્યા નથી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સમિતિ કોરોનાના વર્તમાન વેક્સીનેશનની પ્રક્રિયા પર વિચાર કરી રહી છે. સમિતિને ધ્યાને આવ્યું છે કે અત્યાર સુધી ભારતીય જનસંખ્યાના 1 ટકાથી પણ ઓછા લોકોનું વેક્સીનેશન થઈ શક્યું છે. જો આ પ્રક્રિયા આ જ ગતિએ યથાવત રહેશે તો દેશભરમાં વેક્સીનેશનમાં અનેક વર્ષો લાગી જશે.
કોંગ્રેસ સાંસદ આનંદ શર્માની અધ્યક્ષતા હેઠળની સમિતિએ કહ્યું હતું કે, આ એક ગંભીર મુદ્દો છે કે મોટી સંખ્યામાં લોકોને હજી સુધી વેક્સીનનો બીજો ડોઝ મળી રહ્યો નથી. જ્યારે દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા પ્રકાર સામે આવી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સમિતિ એ બાબતનની ભારે પ્રશંસા કરે છે કે ફન્ટ પર કામ કરતા દરેક સ્વાસ્થ્યકર્મી અને સીએપીએફ સહિતના કોરોના યોદ્ધાઓ અને રાજ્ય અને કેન્દ્ર સમિતિ પ્રદેશોના પોલીસકર્મીઓને વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યો છે. પરંતુ હજી વધુમાં વધુ લોકોને જેટલું શક્ય હોય તે રીતે રસી આપવાના પ્રયાસ કરવા જોઈએ.