અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોરોના માતેલા સાંઢની જેમ આગળ વધી રહ્યો છે. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં દરરોજે 700થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. પોલીસ તથા સત્તાવાળાઓએ ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દે સામાન્ય પ્રજા માથે પસ્તાળ પાડી છે. પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગની કાર્યવાહીનું કડકપણું ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું નામ પડતાં જ ગાયબ થઈ જાય છે. જેને પગલે લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો. આ રોષને લઈ આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય લીધો છે.
આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને સોમવારે રાત્રે 10 વાગ્યે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે. GCAએ BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરવામાં આવે છે.
અત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી 20 ક્રિકેટ સિરિઝ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. કહેવા ખાતર તો GCA દ્વારા 1.30 લાખની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં 50% લેખે 65 હજાર ટિકિટનું વિતરણ કરાયું છે. પરંતુ રવિવારની મેચના દૃશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે સ્ટેડિયમ ખીચો-ખીચ ભરેલું હતું અને જૂજ દર્શકે માસ્ક પહેરેલું હતું. સ્ટેડિયમમાં ભીડ તો એટલી હતી કે જાણે એકબીજાના ખોળામાં બેસવાનું જ બાકી રહ્યું હતું.