છેલ્લાં પાંચ વર્ષમાં 749 વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે જ્યારે 214 વિદ્યાર્થીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાતના મોટા ભાગના કિસ્સા અમદાવાદ અને સુરત શહેરમાં બન્યા હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં ગૃહ વિભાગે આ આંકડા જાહેર કર્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષિયારાએ તા.30-09-2020ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા અને કેટલાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે અને આપઘાતના મુખ્ય કારણો શું છે તેવો સવાલ કર્યો હતો, જેના જવાબમાં સરકારે માહિતી આપી છે કે, પાંચ વર્ષમાં 749 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે.
મોટા ભાગના કિસ્સામાં પરીક્ષામાં નાપાસ થવાના કારણે, માનસિક બીમારીના કારણે, સગાઈ ન થવાના કારણે, લાંબા સમયની માંદગી, કૌટુંબિક કારણસર અને પ્રેમ સંબંધો જેવી બાબતોના કારણે આપઘાતના કિસ્સા બન્યા હોવાનું સામે આવ્યું છે. 2015-16માં 143, 2016-17માં 163, 2017-18માં 155, 2018-19માં 153 અને 2019-20માં 135 વિદ્યાર્થીના આપઘાતના કિસ્સા નોંધાયા છે.
છેલ્લે 2019-20માં અમદાવાદ શહેરમાં 12 વિદ્યાર્થી અને 17 વિર્દ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું હતું. સુરત શહેરમાં 7 વિદ્યાર્થી અને 6 વિર્દ્યાર્થિનીએ જીવન લીલા સંકેલી હતી.