પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસની સાથે છેલ્લા કેટલાક દિવસથી ખાદ્યતેલમાં પણ સતત તેજી જોવા મળી રહી છે. સનફ્લાવરના ભાવ વધારાએ અત્યાર સુધીની તમામ સપાટી કુદાવી છે. બે દિવસમાં સનફ્લાવરના ભાવમાં 180 રૂપિયાનો ભાવ વધારો થયો છે.
છેલ્લા ઘણા દિવસોથી ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી મોટો વધારો થયો છે.આજે સનફ્લાવર્સમાં 60 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે.તો કપાસિયા તેલમાં ડબ્બે 45 રૂપિયાનો વધારો થતા ભાવ 2060 થી 2100 રૂપિયા થયો છે. ગઈકાલના રોજ પણ સિંગતેલમાં રૂ.10 અને કપાસિયા તેલમાં રૂ.25નો વધારો જ્યારે સનફલાવર તેલમાં રૂ.120નો વધારો નોંધાયો હતો.
ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર આપેલા ડેટા મુજબ સીંગતેલની કિંમતમાં આશરે 50 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 10 માર્ચે સીંગતેલના ડબ્બાનો સરેરાશ ભાવ પ્રતિ લીટર રૂ.120 હતો જ્યારે આ વર્ષે 10 માર્ચે સરેરાશ ભાવ 170 રૂપિયા છે. સરસવના તેલના સરેરાશ ભાવમાં પણ આશરે 20 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 10 માર્ચે સરેરાશ ભાવ પ્રતિ લીટર રૂ. 120 છે. જ્યારે આ વર્ષે તે લિટર દીઠ રૂ. 142 છે. આ વર્ષે ચીન આંતરરાષ્ટ્રીય બજારમાંથી પણ ખાદ્યતેલ મોટા પાયે ખરીદી રહ્યું છે, જેના કારણે કિંમતોમાં વધારો થયો છે.