ગાંધીનગર સચિવાલયમાં પીએ તરીકે ફરજ બજાવતા મનીષભાઇ તથા તોરલબેન ટાંકની એકની એક પુત્રી ક્રિષ્નાને વિશ્ર્વની સૌથી પાંચ મોટી કંપની પૈકીની એમેઝોનમાં વાર્ષિક 1.04 કરોડ રૂપિયાના માતબર પેકેજ સાથે સોફટવેર એન્જિનિયરની નોકરી મળી છે. માત્ર 23વર્ષની ઉંમરે 1 કરોડ કરતા પણ વધુ પગાર તેમજ 64 લાખ રૂપિયાના શેર કંપની તરફથી મેળવી તેણીએ ગાંધીનગરનું નામ રોશન કર્યું છે સાથે ક્ધયા શિક્ષણ અને કેળવણીની સાર્થકતા પણ સાબિત કરી છે.
મનિષભાઇએ જણાવ્યું હતું કે, ક્રિષ્નાનું ધો. 1 થી 12 સુધીનું શિક્ષણ ગાંધીનગર ખાતે ગુજરાતી માઘ્યમમાં થયું છે. ત્યારબાદ કેલીફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ કોમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ સારા માર્કસ સાથે કર્યો. હાલમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ ચાલુ છે અને પરીક્ષા મે માસમાં લેવાશે. ત્યાર પહેલાં રીસર્ચ પેપર તૈયાર કરીને સોફટવેર બનાવ્યો છે. જે વેબસાઇટ પરપણ ઉપલબ્ધ છે.
આ દરમિયાન તેણી એ એપ્રિલ 2020માં કેરીયર પાથ જેમાં મશીન લર્નીંગ સાયન્ટીસ્ટ તરીકે યુનિવર્સિટીમાં એમેઝોન કંપનીના સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકેની પરીક્ષા પૂર્ણ કરી એમેઝોન તરફથી એવોર્ડ મેળવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં એમેઝોન કંપીનમાં જરૂરી પરીક્ષા અને માત્ર 30 મિનિટના ઇન્ટરયુ બાદ વાર્ષિક 1.04 કરોડ રૂપિયાનો પગાર અને 64 લાખ રૂપિયાના કંપનીના શેર સાથે પેકેજ ઓફર કરાયું હતું.
વિશ્ર્વની ટોપ પાંચ કંપનીમાંથી એક એવી એમેઝોનમાં 23 વર્ષની વયે સોફટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે કંપની જોઇન્ટ કરવાની ઓફર ક્રિષ્નાએ સ્વીકારી છે. કિષ્ના તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે.
મનિષભાઇએ જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં પુત્ર-પુત્રી એક સમાન છે. પુત્ર અને પુત્રીના ભેદભાવ વગર અમે અમારી પુત્રી ભણી ભણીને આગળ વધે તે માટે તેણીને વિદેશ મોકલી હતી. દરેક માતા-પિતા પુત્રીઓને પણ અભ્યાસની અને જીવનમાં આગળ વધવાની સમાન તક આપે અને તે માટે શકય તમામ મદદ કરે તથા પ્રોત્સાહન આપે તેવી અપીલ તેમણે કરી હતી.