કોરોના વાયરસ મહામારીના કારણે ભારતથી બહાર યુએઈમાં આયોજીત થયેલી આઈપીએલની 13મી સીઝન દરમિયાન છ વર્ષમાં પહેલી વખત બીસીસીઆઈની આ મહત્વાકાંક્ષી ટૂર્નામેન્ટની બ્રાન્ડ વેલ્યૂમાં ઘટાડો નોંધાયો છે. ડફ એન્ડ ફેલપ્સના રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીએલની ઈકોસિસ્ટમ વેલ્યુ 2020મા 3.6 ટકા ઘટી છે.
કોરોના મહામારીના કારણે ગત વર્ષે આઈપીએલની ઈકોસિસ્ટમ વેલ્યુ 2019મા 47500 કરોડ રૂપિયાની તુલનામાં આ વખતે 45800 કરોડ રૂપિયા રહી હતી. જેમાં અંદાજીત 3.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર આઈપીએલ જ નહી 2019ની તુલનાએ 2020મા તમામ ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ વેલ્યુમાં નુકસાન જોવા મળ્યું છે. નુકસાન છતા મુંબઈ ઈન્ડિયન્સ સતત પાંચમા વર્ષે ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ રેન્કિંગમાં શીર્ષ સ્થાન ઉપર છે. જો કે 2019ની તુલનામાં 2020મા મુંબઈની બ્રાન્ડ વેલ્યુમાં 5.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈની બ્રાન્ડ વેલ્યુ 2019મા 809 કરોડ રૂપિયા હતી. જે 2020મા ઘટીને 761 કરોડ રૂપિયા રહી છે. ચૈન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને કોલકાતા નાઈટ રાઈડર્સની બ્રાન્ડ વેલ્યુમાં ક્રમશ: 16.5 ટકા અને 13.7 ટકાનું નુકસાન જોવા મળ્યું છે. ચૈન્નઈની બ્રાન્ડ વેલ્યુ 2019મા 732 કરોડ રૂપિયા હતી. જે 2020મા ઘટીને 611 કરોડ રૂપિયા રહી ગઈ છે. કોલકાતાની બ્રાન્ડ વેલ્યુ 2019મા 629 કરોડ રૂપિયા હતી જે 2020મા ઘટીને 543 કરોડ રહી હતી. ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ વેલ્યુમાં ચૈન્નઈ બીજા અને કોલકાતા ત્રીજા સ્થાને છે. આ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ 9.9 ટકા, સનરાઈઝર્સ હૈદરાબાદ 8.5 ટકા, દિલ્હી કેપિટલ્સ 1.0 ટકા, પંજાબ 11.3 ટકા અને રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ વેલ્યુમાં 8.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.