શહેરમાં જામનગરના કારખાનેદારે ધંધામાં ખોટ જતાં વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરો અવારનવાર ત્રાસ આપતા રાજકોટ ખાતે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના શાસ્ત્રીમેદાન પાસે એક યુવાને ફિનાઇલ પી લેતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસમથકના એએસઆઇ રાજુભાઇ સોલંકી હોસ્પિટલ દોડી ગયા હતા.
પૂછપરછમાં ફિનાઇલ પી લેનાર યુવાન જામનગરની ખોડિયાર કોલોનીમાં રહેતો વિશાલ હેમંતભાઇ કણસાગરા હોવાનું જણાવ્યું હતું. બનાવના કારણ અંગેની પૂછપરછમાં તે જામનગરમાં બ્રાસ પાર્ટસનું કારખાનું ધરાવે છે. ધંધામાં ખોટ જતા મિત્ર ઇરફાન ગફુરભાઇ શેખ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, પરંતુ ધંધો નહીં ચાલવાને કારણે પૈસા પરત કરી નહીં શકતા કારખાનું વેચી તેને પૈસા ચૂકવી દીધા હતા. તેમ છતાં વ્યાજખોર ઇરફાન વધુ 25 લાખની માગણી કરી ધમકી આપતો હતો. જેને પગલે જામનગર એસ.પી.ને અરજી પણ આપી છે. તેમ છતાં કોઇ કાર્યવાહી નહીં થતા પગલું ભરી લીધાનું વિશાલે પોલીસને જણાવ્યું છે.