જૂનાગઢ શહેરની ડબ્બાગલીમાં મકાનના રિપેરીંગ દરમિયાન બાલ્કની અને દિવાલ તૂટી પડતા દબાઇ ગયેલા 1 મજૂરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. જ્યારે 3 મજૂરોને ઇજા થતા સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરની ડબ્બાગલીમાં એક મકાનના રિપેરીંગનું કામ ચાલી રહ્યું હતું. 4 મજૂરો રિપેરીંગ કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન ધડાકાભેર બાલ્કની તૂટી પડતા દિવાલ પણ તૂટી પડી હતી.
બાલ્કની અને દિવાલ કામ કરતા મજૂરો પર પડી હતી જેમાં ચારેય દબાઇ ગયા હતા. દરમિયાન અશોકભાઇ જમનભાઇ ચુડાસમા નામના 50 વર્ષિય આધેડનું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ચિન્ટુ હરેશભાઇ (ઉ.વ. 19),પ્રશાંત દિનેશભાઇ (ઉ.વ.25) અને દર્શિત જેન્તીભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ આ જર્જરિત મકાન 15 દિવસ પહેલા પણ તુટી પડ્યું હતું પરંતુ સદનસીબે વ્હેલી સવારે દુર્ઘટના સર્જાતા જાનહાનિ થઇ ન હતી. દરમિયાન જૂનાગઢ શહેરમાં આવા તો અનેક જર્જરિત મકાનો છે જે મોત બનીને ઝળુંબી રહ્યા છે. ત્યારે મનપા દ્વારા આવા મકાનોને ઉતારી લેવાની કામગીરી કરવી જોઇએ તેવી પણ સ્થાનિક લોકોએ માંગ કરી હતી.