જામનગર શહેરના રણજીતનગર પાસે નોવેલ્ટી સ્ટોર ધરાવતા યુવાનેે થોડા સમયથી આર્થિક સંકળામણ અનુભવતા જિંદગીથી કંટાળી તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતનગર પાસે પરિ નોવેલ્ટી સ્ટોર નામની દુકાન ધરાવતા અશોક નારવાણી નામનો યુવાન તેના ઘરેથી એકટીવા પર નિકળ્યા બાદ તેને પોતાનું એકટીવા પાછલા તળાવ પાસે મુકીને ગુમ થઈ ગયો હતો. જેથી પરિવારજનો દ્વારા શોધખોળ કરાયા બાદ તેનું જીજે-10-બીએચ-3364 નંબરનું એકટીવા પાછલા તળાવ પાસેથી મળી આવતા જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન પાછલા તળાવમાંથી અશોક નારણદાસ નારવાણી (ઉ.વ.36) નામના યુવાનનો મૃતદેહ સાંપડતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે મૃતકના પિતા નારણદાસના નિવેદનના આધારે આગળની કાર્યવાહી આરંભી મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.