ધ્રોલ તાલુકાના ગોકુલપુરથી લતીપર જવાના માર્ગ પરથી પસાર થતી બાઈકને બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા પ્રૌઢ રોડની સાઈડમાં ઉભા હતાં તે દરમિયાત પૂરઝડપે બેફીકરાઈથી આવતા ડમ્પરે હડફેટે લઇ ચગદી નાખતા ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા રામાણીવાસમાં રહેતા અને મુળ રાજકોટના વતની જીતેશ મગનભાઈ રામાણી (ઉ.વ.35) નામનો યુવાન પટેલ યુવાન ગત તા.26 ના રોજ રાત્રિના સમયે તેની વાડીએથી લતીપર ઘર તરફ તેની જીજે-03-સીબી-6591 નંબરની બાઈક પર આવતો હતો તે દરમિયાન ગોકુલપરથી લતીપર વાળા માર્ગ પર પહોંચ્યો ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહને બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક રાત્રિના અંધારામાં વાહન લઇ પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ભાવેશ રામાણીના નિવેદનના આધારે પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા જયંતીભાઈ ભગવાનજીભાઈ માણાવદરિયા નામના પ્રૌઢ ગત શનિવારે સાંજના સમયે સીદસર પાસેના રોડની સાઈડમાં ઉભા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-19-યુ-4015 નંબરના ડમ્પરચાલકે પ્રૌઢને હડફેટે લઇ તોતિંગ વ્હીલ હેઠળ ચગદી નાખતા ગંભીર ઈજા પહોંચતા પ્રોઢનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આ અંગે નિલેશ માણાવદરિયા દ્વારા કરાયેલી જાણના આધારે હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.