એશિયા કપનું આયોજન ચાલુ વર્ષના જૂન-જુલાઇમાં થઇ ચૂક્યું છે પરંતુ ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઇ હોવાના કારણે એશિયા કપ રદ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. જો એશિયા કપ રદ કરવામાં આવશે નહીં તો બીસીસીઆઇએ પોતાની બી-ટીમને આ ટૂર્નામેન્ટ માટે મોકલવી પડશે. ન્યૂઝીલેન્ડ સામે 18મી જૂનથી રમાનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ભારતીય ટીમે જૂનના પ્રથમ સપ્તાહમાં ઇંગ્લેન્ડ રવાના થવું પડશે. આઇપીએલ 2021ના સમાપન બાદ ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડ રવાના થશે. કારણ કે તેમને 14 દિવસના આકરાં ક્વોરન્ટાઇન સમયમાંથી પસાર થવું પડશે.
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હવે ઐતિહાસક લોર્ડ્ઝ ખાતે નહીં પરંતુ સાઉથમ્પ્ટનના એજીસ બાઉલ ગ્રાઉન્ડ ખાતે રમાશે કારણ કે સ્ટેડિયમમાં જ હોટેલની સગવડ છે. કોરોના વાઇરસની મહામારીના કારણે આઇસીસી અને ઇસીબી બાયો-બબલ સિક્યોર તૈયાર કરશે જેમાં ભારત તથા ન્યૂઝીલેન્ડની બંને ટીમોને 14-14 દિવસ સુધી ક્વોરન્ટાઇન થવું પડશે. આ સ્થિતિમાં બીસીસીઆઇ કપરી સ્થિતિમાં મુકાયું છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલે જૂનના અંતમાં એશિયા કપ રમાડવાનો નિર્ણય કર્યો છે. આ વિન્ડોમાં ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ર્હાદિક પંડયા સહિત અન્ય એશિયા કપ માટે ઉપલબ્ધ થશે નહીં કારણ કે તે સમયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાતી હશે. ત્યારબાદ ભારતે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ રમવાનું છે. આ સ્થિતિમાં બીસીસીઆઇ પાસે વિકલ્પ છે પરંતુ ટી20 ફોર્મેટમાં શ્રીલંકા ખાતે રમાનારા એશિયા કપ માટે બોર્ડે તેની બી-ટીમ મોકલવી પડશે જેના કારણે કેટલાક સ્ટાર ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં ખોટ પડશે. આઇપીએલ 2021ના પ્રદર્શનના આધારે એશિયા કપમાં રમી શકે તેવી એક ટીમ બોર્ડ તૈયાર કરે તેવી સંભાવના છે.