જામનગર સ્થિત એક સહકારી બેંકને તેના જ કર્મચારીઓએ બે કરોડથી વધુની રકમનો ચૂના લગાવ્યાની ચોકાવનારી ઘટના સામે આવી છે. બેંકના કર્મચારીઓએ છેલ્લાં છ વર્ષ દરમ્યાન ધિરાણ મૂકતીના ખોટા પ્રમાણપત્રો બનાવી બેંકના રેકર્ડ સાથે છેડા કરી તોતીંગ ઉચાપત અને કૌભાંડ આચર્યાનું બહાર આવ્યું છે. બેંક મેનેજર દ્વારા હાલ બે કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
ઉચાપત અને છેતરપિંડીની આ ચોકવારી ફરિયાદની પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં જુની આરટીઓ કચેરીની બાજુમાં આવેલી ખેતી બેંકમાં કામ કરતાં અને ધ્રોલમાં રહેતાં દિપકરામ જુગતરામ ભટ્ટ તથા રાજકોટમાં યુનિ. રોડ પર રહેતાં સુરેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા નામના કર્મચારીઓએ 2014થી 2020ના સમયગાળા દરમ્યાન મિલીભગતથી બેંકના રેકર્ડમાં છેડા કરીને બેંકના સિરિયલ નંબરવાળા તેમજ નંબર વગરના ધિરાણના તારણ મુકિતના પ્રમાણપત્રો (દાખલા) બનાવી તથા ખેડૂતોના ધિરાણની રકમની મુદ્દત પુરી થઇ ગઇ હોવા છતાં ગેરકાયદેસર રિતે ધિરાણની રકમો બેંકના ચોપડે ચૂકતે બતાવી તે અંગેના બોગસ પ્રમાણપત્રો ઇસ્યુ કરી દીધાં હતાં. આ પ્રમાણપત્રોમાં જવાબદાર અધિકારીઓની ખોટી સહી અને સિક્કાઓ કરી નો ડ્યૂ સર્ટીફિકેટ પણ ઇસ્યુ કરી દીધા હતાં. આમ 06 વર્ષના સમયગાળા દરમ્યાન ઉપરોકત બન્ને કર્મચારીઓએ બેંકમાં ઉચાપત અને નો ડ્યૂ પ્રમાણપત્રનું કૌભાંડ આચરી બેંકને 2,04,21,997 રૂપિયાનો ચુનો લગાડી બેંક સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ બેંકના મેનેજર વિરમજી પ્રતાપજી ઠાકોરએ જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે બન્ને કર્મીઓ સામે આઇપીસીની જુદી-જુદી કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથધરી છે. આ કૌભાંડની તપાસ સીટી એ ડિવિઝનના પીઆઇ એમ.જે.જલૂ ચલાવી રહ્યા છે. આ કૌભાંડમાં બેંકના અન્ય કેટલાંક કર્મચારીઓની તેમજ બહારની વ્યકિતઓની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.