જામનગરમાં 15 મીટરથી ઉંચી ઇમારતોને ફાયર એનઓસી મેળવી લેવા મહાનગરપાલિકાએ નોટીસ દ્વારા તાકીદ કરી છે. રાજયમાં બહુમાળી ઇમારતોમાં અગ્નિકાંડ બાદ 15 મીટર કે તેથી વધુ ઉંચાઇ ધરાવતી બિલ્ડીંગોમાં ફાયર એનઓસીના નવા નિયમના પગલે મનપાએ આ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શહેરમાં એપાર્ટમેન્ટ, કોર્મશીયલ કોમ્પલેકસ, ઔધોગિક સહીત 200 થી વધુ ઇમારતનો સમાવેશ થતો હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું છે. પરંતુ ઇમારતોએ કેટલા દિવસોમાં એનઓસી મેળવવાનું રહેશે તે જામ્યુકોએ જાહેર ન કરતા કામગીરી સામે સવાલ ઉઠયા છે.
જામનગરમાં મહાનગરપાલિકાએ ફટકારેલી નોટીસમાં જણાવ્યું છે કે,મનપાના હદ વિસ્તારમાં કોઇપણ બાંધકામ કરતા પહેલા બાંધકામની વિકાસ તથા વપરાશની પરવાનગી મેળવવાની કાયદાકીય જોગવાઇ છે. તદઉપરાંત હાઇકોર્ટમાં પીઆઇએલ થતાં વપરાશ, વસવાટની પરવાનગી સાથે ફાયર સેફટી મેઝર્સની જોગવાઇનું પાલન કરાવવા હાઇકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે. આથી નવા નિયમ મુજબ મનપાની હદમાં આવતા કોર્મશીયલ કોમ્પલેકસ, એપાર્ટમેન્ટ, શૈક્ષણિક સંકુલ, ઔધોગિક ઇમારતો, ધાર્મિક સ્થળો પૈકી જેમણે વપરાશ, વસવાટની પરવાનગી લીધી નથી તે ઇમારતોએ પરવાનગી અને ફાયર એનઓસી લેવા નોટીસ તાકીદ કરવામાં આવી છે.
બાંધકામના જૂના નિયમમાં 18 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા એપાર્ટમેન્ટ, કોર્મશીયલ કોમ્પલેકસ, ઔધોગિક, શૈક્ષણીક સંકુલ સહિતની ઇમારતોમાં ફાયરનું એનઓસી લેવાની જરૂર હતી નહીં. પરંતુ બાંધકામના નવા નિયમ મુજબ 15 મીટર કે તેથી વધુ ઉંચાઇ ધરાવતી ઇમારતો માટે ફાયરનું એનઓસી ફરજીયાત હોય નોટીસ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
વપરાશ, વસવાટની પરવાનગી તથા ફાયરના એનઓસી માટે ઇમારતોને નોટીસ આપવામાં આવી છે. જો નોટીસ મુજબ વપરાશ, વસવાટની પરવાનગી અને ફાયરનું એનઓસી લેવામાં નહીં આવે તો જીપીએમસી એકટની કલમ હેઠળ બિનઅધિકૃત વસવાટ ખાલી કરાવવા તથા મિલકતના નળ અને ગટરના જોડાણ કાપવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.