જામનગર નજીક આવેલા નારણપર ગામ પાસેના નિર્જન વિસ્તારમાંથી આજે સવારે એક યુવક અને યુવતીએ ઝાડમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બન્નેના મૃતદેહોની ઓળખ મેળવી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના નારણપર ગામ નજીક આવેલા નિર્જન વિસ્તારમાં આજે સવારના સમયે એક યુવક અને યુવતીએ સજોડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવની જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળેે દોડી ગયો હતો અને બે જુદાં-જુદાં ઝાડ પરથી યુવક અને યુવતીના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસના પ્રાથમિક તારણમાં યુવક પીપરટોડા ગામનો સંજય પઢીયાર અને યુવતી દરેડ ગામની ક્રિષ્નાબેન ખરા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બન્ને મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી અને બન્ને મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.
પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. પ્રાથમિક તારણમાં બન્નેએ પ્રેમ પ્રકરણના કારણે જિંદગી ટૂંકાવી હોવાના આધારે આ દિશામાં વધુ તપાસ આરંભી હતી. જો કે, ઘટનામાં યુવક અને યુવતીએ કયાં કારણોસર જિંદગી ટૂંકાવી તે હજુ બહાર આવ્યું ન હતું.