જમ્મુ કાશ્મીરમાં ગુલામ નબી આઝાદના એકજુથતા પ્રદર્શન બાદ કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓ (જી-23) અને રાહુલ ગાંધી વચ્ચેની તિરાડ ખુલીને સામે આવી છે. રાજનીતિક વિશ્લેષકોના કહેવા પ્રમાણે પક્ષ ત્રિભેટે છે અને પસંદગી કરવી પડશે કે અસંતુષ્ટોને શાંત કરે અથવા તો તેમના વિના આગળ વધવાનો નિર્ણય કરે. બીજી તરફ અસંતુષ્ટ નેતાઓ બિનરાજકીય મંચ મારફતે દેશભરમાં બેઠકો કરી કાર્યકર્તાઓ અને નેતાઓનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે તેવી ચર્ચા શરૂ થઈ છે. વધુમાં પાંચ રાજ્યોની ચૂંટણી કોંગ્રસ માટે નિર્ણાયક બની રહેશે. જો કોંગ્રેસ આસામમાંથી સોનેવાલ અને કેરળમાં પી વિજયનને સત્તામાંથી દુર કરવામાં નિષ્ફળ રહેશે તો કોંગ્રેસનું નેતૃત્વ હાથમા લેવાની રાહુલની સંભાવના ઘટી જશે.
સૂત્રો મુજબ શનિવારે ગુલામ નબી આઝાદના કાર્યક્રમ બાદ પક્ષમાં વધી રહેલા વિખવાદથી રાહુલ ગાંધી માટે આગળની રાહ મુશ્કેલ બની રહી છે. કહેવાય છે કે જમ્મુના કાર્યક્રમ બાદ હવે અસંતુષ્ટ નેતાઓ કુરૂષેત્રમાં એક સાર્વજનિક બેઠકની યોજના બનાવી રહ્યા છે. ત્યારબાદ તેઓ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓનું સમર્થન મેળવવા માટે દેશભરમાં ગેરરાજનીતિક મંચ ઉપર પણ બેઠક કરશે.
સૂત્રો મુજબ અસંતુષ્ટ નેતાઓ ટકરાવનો જે રસ્તો પસંદ કર્યો છે તેમાં અન્ય લોકોને જોડાતા રોકવા મુશ્કેલ બની રહેશે. તેવામાં સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે રાહુલ ગાંધી સામે ખુલ્લો વિદ્રોહ છે. અસંતુષ્ટ નેતાઓમાં સામેલ આનંદ શર્માએ કહ્યું છે કે તેઓ પક્ષના ભાડુઆત નહી પણ સહમાલિક છે અને પક્ષ છોડવાના નથી. તેમણે કહ્યું હતું કે તેઓ આજે જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચવા મોટાભાગના નેતાઓએ મહેનત કરી છે. કોઈપણ બારીમાંથી નથી આવ્યા તમામ દરવાજામાંથી પક્ષમાં સામેલ થયા છે.
અસંતુષ્ટ નેતાઓના કહેવા પ્રમાણે નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. જ્યારથી ટીમ રાહુલે ભાગદોડ સંભાળી છે ત્યારથી ત્રણ દશક સુધી મહાસચિવ રહી ચૂકેલા આઝાદ જેવા નેતાઓને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા નથી.
બીજી તરફ કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારની ઉતાવળ કરવામાં આવી રહી નથી. પક્ષના વરિષ્ઠ પ્રવક્તા તરફથી પણ અસંતુષ્ટ નેતાઓને સન્માનિત તરીકે સંબોધન કર્યું છે. કોંગ્રેસે નેતાઓનું યોગદાન આવકાર્યું છે અને વર્તમાન સમયે પાંચ રાજ્યની ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને પક્ષ માટે કામ કરવું જોઈએ તેમ કહ્યું છે.