કોરોના વાયરસની મહામારીના પરિણામે ગુજરાતમાં 9 મહિના શાળાઓ બંધ રહ્યા બાદ ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય શરુ થઇ ગયું છે. તમામ ધોરણોના અભ્યાસક્રમ અને પરીક્ષાઓની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા પણ પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષાનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આજે રોજ ગુજરાતની ધો.3 થી 8 ની પરીક્ષાઓનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધો.3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા તા.15 માર્ચથી શરુ કરવામાં આવશે.
ધો.6થી 12ની શાળાઓ શરુ થઇ ગઈ છે. જયારે આગામી સમયમાં અન્ય વર્ગની શાળાઓ ખુલશે તે નક્કી છે. કારણકે આગામી 15 માર્ચના રોજ ધો.3થી8ની પ્રથમ સત્રની પરીક્ષાઓ શરુ થઇ રહી છે. તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત ક્લાસરૂમમાં જ પરીક્ષા આપવાની રહેશે. અને વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખતા આ સત્રની પરીક્ષા આપવી ફરજીયાત છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે અને સૂચના આપવામાં આવી છે કે 15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે.
રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાની રહેશે. અને અન્ય વિષયોની પરીક્ષા શાળાઓ પોતાની રીતે લઇ શકશે. આ વખતે તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. અને તેનું મુલ્યાંકન પણ કોમન થશે.