જામનગર નજીક આવેલા રણજીતસાગર ડેમના પાછળના ભાગની પાળી ઉપર ચાલતા સમયે પગ લપસતા ડેમના પાણીમાં ડૂબી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના નારાયણપુરનો વતની અને જામનગરના કિસાન ચોકમાં આવેલા કબીરપરામાં રહેતો રાહુલ કર્મેન્દ્રકુમારસિંગ રાજપૂત (ઉ.વ.23) નામનો યુવક બુધવારે સવારના સમયે જામનગર નજીક આવેલા રણજીતસાગર ડેમના મુખ્ય બંધ પાછળ આવેલી ઢોળાવ વાળી પાળી ઉપરથી ચાલતો હતો તે દરમિયાન સેવાળના લીધે પગ લપસી જતા ડેમના પાણીમાં ગરક થઈ ગયો હતો. આ અંગેની જાણ થતા ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહને બહાર કાઢયો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. જેના આધારે એએસઆઈ કે.પી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.