આજે રાંધણગેસના ભાવમાં ફરી વધારો થયો છે. આજે રોજ રૂ.25નો ભાવ વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં આજે ત્રીજી વખત ગેસના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ સબસિડી વગરના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગઈ છે. એલપીજી સીલીન્ડરના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં રૂ.200નો વધારો થયો છે. સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં આજે 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
પહેલી ફેબ્રુઆરીના રોજ ફક્ત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં 190 રૂપિયાનો વધારો થયો હતો. સરકારે 4 ફેબ્રુઆરીના રોજ LPGની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ 15 ફેબ્રુઆરીના રોજ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. અને આ ત્રીજી વખત ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 3 મહિનામાં રૂપિયા 200નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં આ ત્રીજી વખતના વધારા સાથે ભાવ 794 રૂપિયાએ પહોંચ્યો છે. આ ભાવ આજથી જ લાગુ કરવામાં આવશે.
પેટ્રોલ ડિઝલ અને રાંધણ ગેસના વધતા જતાં ભાવોને લઇને લોકોનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.ત્યારે એક તરફ કોરોના વાયરસની મહામારીના પરિણામે પહેલાથી જ લોકો આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો નથી. ત્યારે આજે રાંધણગેસમાં સીધો રૂ.25નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. પેટ્રોલ ડિઝલ અને રાંધણ ગેસના વધતા જતાં ભાવો અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને સામાન્ય લોકોને રાહત આપવી જોઈએ. આ ઉપરાંત અગાઉની સરકારો પર ખોટા દોષારોપણ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.