ધ્રોલમાં ગૌરવપથ એવા જામનગર રોડ પર આવેલી જમીન વિકાસ બેંક સહિતના ચાર સ્થળોએ તસ્કરો ત્રાટકયા હતાં. એક સાથે ચાર સ્થળોએ થયેલી ચોરીથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ગૌરવ પથ એવા જામનગર રોડ પર આવેલી જમીન વિકાસ બેંક સુરભી એગ્રો સહિતની ચાર સ્થળોએ તસ્કરો ત્રાટકયા હતાં અને જમીન વિકાસ બેંકમાં રાત્રે બે વાગ્યાના અરસામાં મુખ્ય ગેઈટના તાળા તોડી અંદર ઓફિસમાં પ્રવેશી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને આશરે 4200 ની રોકડ રકમની ચોરી કરી હતી તેમજ બાજુના રૂમમાં રાખેલી તીજોરીની ચાવી મળી જતા ચીજોરી ખોલી હતી. પરંતુ, ચીજોરીમાંથી કાંઈ ન નિકળતા તસ્કરો નિરાશ થઈ ગયા હતાં. તેમજ બેંકની બાજુમાં આવેલી સુરભી એગ્રો સીડસ નામની દુકાનના સટ્ટર ઉંચકીને પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી 300 થી 400 ની રોકડ રકમની ચોરી કરી હતી. ઉપરાંત બાજુમાં આવેલા સિમેન્ટના ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો પરંતુ આ ગોડાઉનમાં કહી મળ્યું ન હતું.
ત્યારબાદ તસ્કરો નજીક આવેલા શ્રી તમ્બોલેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યા હતાં અને મંદિરમાંથી એક છતર ચોરી કરી ગયા હતાં. ધ્રોલમાં એક સાથે ચાર સ્થળોએ તસ્કરો ત્રાટકતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ગ્રામ્ય પંથકમાં છેલ્લાં થોડાંક સમયથી તસ્કર ગેંગ સક્રિય થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ પૂર્વે ધ્રોલ તાલુકાના માનસર ગામમાં પણ ચારથી પાંચ દુકાનોના તાળા તૂટયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. આ બનાવ અંગેની જાણ થતા પોલીસે તાત્કાલિક એકશનમાં આવી સ્થળ પર પહોંચી ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.