Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગર2005ના મોદીના રોડ શો એ જામનગરમાં અપક્ષોનો દબદબો ખત્મ કર્યો

2005ના મોદીના રોડ શો એ જામનગરમાં અપક્ષોનો દબદબો ખત્મ કર્યો

અહીંથી જ બદલાઇ જામનગરના રાજકારણની દશા અને દિશા : અપક્ષોનું પ્રભુત્વ એટલું પ્રબળ હતું કે મેયર, ડે.મેયર, સ્ટે. ચેરમેન પણ તેઓ જ બનતા હતાં : અપક્ષોના ખીચડી રાજકારણનો અંત

- Advertisement -

પરેશ સારડા-જામનગર
એક સમય હતો જ્યારે જામનગર મહાપાલિકામાં અપક્ષોનો દબદબો હતો. મેયર પણ અપક્ષ અને સ્ટે.ચેરમેન પણ અપક્ષો જ બનતા હતાં. અપક્ષોનું પ્રભુત્વ એટલું પ્રબળ હતું કે, ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય અને મોટા પક્ષો હાંસિયામાં જોવા મળતા હતાં. પરંતુ 2005માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો એ જામનગરનાં રાજકારણની દશા અને દિશા બદલી નાંખી હતી. મોદીના આ રોડ શો બાદ જામનગરમાં લાંબા સમયથી ચાલ્યા આવતાં અપક્ષોના દબદબાનો અંત આવ્યો હતો. સાથે સાથે પક્ષિય રાજકારણ મજબૂત થવા લાગ્યું.
2005ની જામનગર મહાપાલિકાની ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગર શહેરમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપાના સમર્થનમાં એક રોડ શો યોજ્યો હતો. 2002ના ગોધરાકાંડ બાદ રાજ્યમાં ભારે લોકપ્રિય બનેલા મોદીના રોડ શો ને જામનગરમાં જબ્બર સમર્થન પ્રાપ્ત થયું હતું. આ રોડ શો નો મકસદ મહાપાલિકામાં ભાજપાને સંપૂર્ણ બહુમતિ સાથે આરૂઢ કરવાનો તો હતો જ પણ પ્રચારનું ફોકસ અપક્ષો પર હતું. મોદીનો ઇરાદો જામનગરના રાજકારણમાં હાવી થઇ ગયેલા અપક્ષોના સફાયાનો હતો. તેમણે પોતાના પ્રચાર ભાષણમાં પણ અપક્ષોનો વારંવાર ઉલ્લેખ કરી અપક્ષોને જાકારો આપવા લોકોને અપીલ કરી હતી. વિકાસ માટે પક્ષ ઉપર વિશ્ર્વાસ દર્શાવવા પ્રયાસ કર્યો હતો. જેનું પરિણામ પણ મળ્યું. 2005માં અપક્ષોની સંખ્યા સિમિત થઇ ગઇ અને ભાજપા સંપૂર્ણ બહુમતિ સાથે સત્તાસ્થાને આવી ગયું. ત્યારબાદ ક્રમશ: જામનગરમાંથી અપક્ષોનો સફાયો થયો. અપક્ષોનાં ખિચડી રાજકારણનો અંત આવ્યો. જેનો શ્રેય નરેન્દ્ર મોદીને આપી શકાય.
આ અગાઉ જામનગરમાં અપક્ષો એટલા બળવાન અને સક્ષમ હતા કે, રાજકીય દાવપેચ ખેલીને મેયર, ડે.મેયર કે સ્ટે. મેયર કે સ્ટે. ચેરમેન જેવા હોદ્દાઓ પર બિરાજમાન થઇ જતાં હતાં. ત્યારે એકમાત્ર જામનગર જ એવી મહાપાલિકા હતી કે, જ્યાં અપક્ષોનું વર્ચસ્વ રહેતું હતું. લીલાધર પટેલ, હેમતભાઇ માડમ, સોમચંદ શાહ, પ્રવિણ દોઢિયા, ભીખુભાઇ વાઘેલા, હર્ષદ ગાંધી, હસમુખ જેઠવા, અર્જુન પરમાર જેવા નેતાઓ પક્ષમાં હોય કે, ન હોય તેઓ આપ બળે ચૂંટાઇ આવતાં હતાં. અહીં દર્શાવેલા નેતાઓ પૈકી કેટલાંક વિચક્ષણ રાજકારણી તો કેટલાંક કાર્યકુશળ અને પ્રતિભાવંત પણ હતાં. જેની ઝલક સામાન્ય સભામાં જોવા મળતી હતી. જો કે, અપક્ષના રાજકારણનાં ફાયદા-ગેરફાયદા બન્ને હતાં. મોટો ગેરફાયદો એ હતો કે, વ્યક્તિલક્ષી રાજકારણને કારણે પ્રજા પ્રત્યેની સામુહિક જવાબદેહી નહોતી. નીહિત સ્વાર્થ માટે કોઇપણ તોડજોડ થઇ શકતી હતી અને થતી પણ હતી. શહેરનાં હિતમાં કોઇપણ નિર્ણય માટે જવાબદેહી જરુરી હતી. તેવામાં લોકોની નાળ પારખવામાં માહિર એવા નરેન્દ્ર મોદીએ 2005માં આ મુદ્દાને જ કેન્દ્રસ્થાને રાખી પ્રચાર કર્યો અને પરિણામ મળ્યું. આમ એટલું જરુર કહી શકાય કે, મોદીએ અપક્ષીય રાજકારણનો ખાત્મો કર્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular