જામનગરમાં ચાંદી બજારના ચોકમાં આમ આદમી પાર્ટીની ચૂંટણી સભા વેળાએ ટ્રાફિક પોલીસે સભા સ્થળ પાસેના એક ઉમેદવારના વાહન સહિતના વાહનો ડીટેઈન કરવાની કામગીરી કરતાં પા
ર્ટીના કાર્યકર્તાઓ અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટ્રાફિક પોલીસે ડીટેઈન કરેલા વાહનો લઇને જતા રહ્યા હતાં. શહેરના ભરચકક વિસ્તારમાં થયેલા ડખ્ખાને કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ચાંદી બજારના ચોકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની જાહેરસભા સાત વાગ્યે યોજાઈ હતી. સભા ચાલુ થઈ રહી હતી. તે વેળાએ ત્યાં પહોંચેલી ટ્રાફિક પોલીસની ગાડી અને ટોઇંગ વાહન દ્વારા રસ્તા પર પાર્ક થયેલા વાહનો ઉઠાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પાર્ટીના વોર્ડ નં.14 ના ઉમેદવારનું પણ વાહન પોલીસે જપ્ત કરતા કાર્યકરોએ ટ્રાફિક પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી વાહનો છોડી મુકવા વિનંતી કરી હતી પરંતુ આ મામલે મચક ન આપતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા પોલીસની કામગીરીનો ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં અને એક સમયે તો આ બોલાચાલીમાં વાતાવરણ એટલું બધુ તંગ બની ગયું હતું કે,વધુ પોલીસ કાફલો બોલાવવો પડશે.
આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આપના કાર્યકર્તાઓએ ભાજપા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવ્યાં હતાં. શહેરના ભરચકક એવા ચાંદીબજાર વિસ્તારમાં સાંજના બનેલી બબાલથી લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતાં અને ટ્રાફિકજામ થઈ ગયો હતો.